
– ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં 45 કૃતિ અને કલા મહોત્સવમાં 36 કૃતિઓ રજૂ કરવામાં આવી
ભરૂચ, 27 નવેમ્બર (હિ.સ.) : જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ માર્ગદર્શિત બી.આર.સી. નેત્રંગ દ્વારા આયોજિત તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને કલા મહોત્સવનું આયોજન પીએમ શ્રી શ્રીકૃષ્ણ આશ્રમશાળા થવા ખાતે કરવામાં આવ્યું હતું.
ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં નેત્રંગ તાલુકાના નવ કલસ્ટરની કુલ 45 કૃતિ અને કલા મહોત્સવમાં નવ ક્લસ્ટરની કુલ કાર્યક્રમ 36 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. બાળકો દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકાના લાયઝન અધિકારી ચંદ્રકાંત વસાવા હાજર રહી પ્રેરક પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત એક પેડ મા કે નામ અંતર્ગત ખૂબ સારી કામગીરી કરનાર પીએમશ્રી શ્રીકૃષ્ણ આશ્રમશાળા થવા, પ્રાથમિક શાળા જુના નેત્રંગ તથા પ્રાથમિક શાળા કાળી કંપનીના આચાર્યને શિલ્ડ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામ વિજેતા બાળકોને અને ભાગ લેનાર બાળકોને પ્રમાણપત્ર તેમજ ઇનામ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
નેત્રંગ તાલુકાના લાયઝન અધિકારી ચંદ્રકાંત વસાવા અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ બંને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના ટ્રસ્ટી નાનાલાલ વસાવા, માનસિંગ માંગરોલા, જિલ્લા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, જિલ્લા તાલુકા પ્રાથમિક શૈક્ષિક સંઘ, તાલુકાના ગ્રુપાચાર્ય, આચાર્ય, શિક્ષક ભાઈ બહેનો અને વિધાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
—————
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ
