સુરત,10 નવેમ્બર (હિ.સ.) બિહાર વિધાનસભામાં બિહારના મુખ્યમંત્રી નિતીશકુમાર દ્વારા મહિલાઓ માટે જે અમર્યાદિત અને અભદ્ર શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેની સામે દેશભરની મહિલાઓમાં ઉગ્ર રોષ જોવામાં આવ્યો હતો.
જે રીતે નીતીશકુમાર દ્વારા અશ્લીલ કહી શકાય તેવા શબ્દોનો ઉપયોગ વિધાનસભામાં કરવામાં આવ્યો હતો તેની સામે દેશભરમાં આક્રોશ જોવા મળ્યો હતો . તેમના શબ્દો અત્યંત વાંધાજનક અને મહિલાઓને અપમાનિત કરનારા હતા. ભારતીય જનતા પાર્ટી , સુરત મહાનગર મહિલા મોર્ચાની આગેવાનીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું .જેમાં મહિલા મોર્ચાની બહેનો સાથે સુરત મહાનગર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા , ધારાસભ્ય સંગીતા પાટીલ , મેયર દક્ષેશ માવાણી , મહામંત્રી મુકેશ દલાલ , કિશોર બિન્દલ , કાળુભાઇ ભીમનાથ , સુરત મહાનગરપાલિકાના અન્ય પદાધિકારીઓ , નગરસેવકઓ તથા અગ્રણી કાર્યકર્તાઓ પણ જોડાયા હતા .
ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા જણાવાયું હતું કે એક મુખ્યમંત્રી દ્વારા જે રીતે વિધાનસભામાં મહિલાઓ માટે અત્યંત વાંધાજનક શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો તે અક્ષમ્ય છે અને ભારતીય જનતા પાર્ટી નિતીશકુમારના રાજીનામાની માંગણી કરે છે .
સુરત મહાનગરના પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે જયારે નિતીશકુમાર દ્વારા આ શબ્દો કહેવાતા હતા ત્યારે તેમના જ પક્ષના મહિલા વિધાયકો અને રાબડી દેવીએ શરમથી માથું ઝુકાવી દીધું હતું , જે બતાવે છે કેટલી હલકી કક્ષાની વાત કરવામાં આવી રહી હતી . આ માટે દેશભરની મહિલાઓ કયારે પણ નિતીશકુમારને માફ નહીં કરે .સુરત શહેરના મેયર દ્વારા પણ આની ઘોર નિંદા કરી તેને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી .
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ
