
– પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના બે દિવસના પ્રવાસમાં અનેક વિકાસકાર્યોને લીલી ઝંડી આપશે
– નવા લોકાર્પણ પણ કરશે. રાજ્યને અંદાજે 6 હજાર કરોડના વિકાસ કામની ભેટ મળશે.
અમદાવાદ,30 ઓકટોબર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આજે 30 ઓક્ટોબર સવારે 10.30 વાગ્યે અંબાજી મંદિરમાં પૂજા અને દર્શન કરશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યાની આસપાસ મહેસાણામાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. તો આવતી કાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરશે.
પ્રધાનમંત્રી મોદી 31 ઓક્ટોબર સવારે 8 વાગ્યાની આસપાસ તેઓ કેવડિયાની મુલાકાત લેશે જ્યાં તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરશે. જે બાદ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે. તેઓ અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદઘાટન પણ કરશે. ત્યારબાદ સવારે 11.15 વાગ્યે તેઓ આરંભ 5.0 માં 98માં કોમન ફાઉન્ડેશન કોર્સના તાલીમાર્થી અધિકારીઓને સંબોધન કરશે.
પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં સોમનાથ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક પણ મળવાની છે. તો સરદાર પટેલની જન્મજયંતિના દિવસે એટલે 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ રાષ્ટ્રીય એકતા પરેડનું નિરીક્ષણ કરશે. જેમાં ભારતના 17 રાજ્યોના 250 થી વધુ NCC કેડેટ્સ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતમાં રૂપિયા 5,941 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમ મહેસાણા જિલ્લાના ડાભોડા ગામમાં યોજાશે. વિવિધ પ્રકલ્પોમાં ભારતીય રેલવે, ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન, જળ સંશધાન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ શહેરી વિકાસ વિભાગના વિકાસકાર્યો સામેલ છે. ડાભોડા ગામમાં 11 વાગ્યે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિકાસકાર્યો ગુજરાતના મહેસાણા, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, ગાંધીનગર અને પાટણ એમ કુલ 7 જિલ્લાને આવરી લે છે. આ તમામ જિલ્લાઓ વચ્ચે કુલ 16 પ્રકલ્પો છે જેમાંથી આઠનું લોકાર્પણ અને આઠ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટીએ પ્રકૃતિના સંરક્ષણ માટે ગ્રીન ઇનિશિયેટિવ હેઠળ પાંચ પ્રોજેક્ટ્સનું આયોજન કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સરદાર પટેલ જયંતીના અવસરે આ પાંચ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં 30 ઇ-બસો, પબ્લિક બાઇક શેરિંગ, ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સિટિ ગેસનું વિતરણ અને એકતાનગરમાં આવતા પ્રવાસીઓના સરળ ટ્રાન્સપોર્ટેશન માટે ગોલ્ફ કાર્ટ્સ જેવી સુવિધાઓનું લોકાર્પણ તેમજ 4 મેગાવોટ સ્થાપિત ક્ષમતા સાથેના સોલાર પેનલ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર/
