પાટણ, 9 ડિસેમ્બર (હિ.સ.)પાટણ નગરપાલિકાનું ઇમર્જન્સી ફાયર ફાઈટર છેલ્લા ઘણા સમયથી લીકેજની સ્થિતિમાં હોવાનું બહાર આવ્યું છે, જેના કારણે આગ જેવી કટોકટીની પરિસ્થિતિમાં સમયસર સેવા આપવામાં ગંભીર અવરોધ ઊભો થઈ રહ્યો છે.
નિયમ મુજબ આગનો કોલ મળ્યા પછી 5 મિનિટની અંદર ફાયર ફાઈટર રવાના થવું ફરજિયાત હોવા છતાં, લીકેજને કારણે વાહનમાં ભરાયેલું પાણી દરમ્યાન જ વહી જતું હોવાથી ઘટનાસ્થળે પહોંચતા પહેલાં ફરીથી પાણી ભરવામાં કિંમતી સમય બગડે છે.
આ વિલંબને કારણે આગ વધુ વિકરાળ બનવાની શક્યતા વધે છે અને મોટા પાયે જાનમાલના નુકસાનનો ભય ઊભો થાય છે. ઉપરાંત, સતત થઈ રહેલા લીકેજને કારણે પાણીનો પણ મોટા પાયે બગાડ થઈ રહ્યો છે. આ બેદરકારીને લઈને પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ફાયર અધિકારી સ્નેહલ મોદીના જણાવ્યા મુજબ, છેલ્લા બે દિવસથી ફાયર બ્રાઉઝરમાં લીકેજની સમસ્યા છે. તેમણે જણાવ્યું કે રિપેરિંગ માટે જરૂરી પ્લેટ મંગાવવામાં આવી છે અને તે મળ્યા બાદ વેલ્ડિંગ કરી વાહનની તરત જ મરામત કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ
