

ભરૂચ 31 ડિસેમ્બર ( હિ. સ ) ભૂસ્તર અધિકારી રચના ઓઝાને મળેલી બાતમીના આધારે રોયલ્ટી ઇન્સ્પેકટર અરવિંદ ઠાકોર સહિત તેમની ટીમ દ્વારા નર્મદા નદીના પટમાં રેતી ખનન થતું હતું તે સ્થળ ઉપર દરોડા પાડી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ભૂસ્તર વિભાગે પોલીસને સાથે રાખી દરોડા પાડતા સ્થળ ઉપરથી રેતી ભરેલ બે ટ્રક અને બે હિટાચી મશીન મળી આવ્યા હતા .
સરદાર બ્રિજ નીચે નદીના પટમાં કેટલા દિવસ અને રાત્રે રેતી ખોદી સરકારની રોયલ્ટી ભર્યા વિના ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હતું. રેતી ખનનને લઈને સરકારને કરોડોનું નુકસાન થવા પામ્યું છે. ભૂસ્તર વિભાગ દ્વારા કાર્યવાહી કરતાં રેતી ખનન કરી રહેલા માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
ભૂસ્તર વિભાગની ટીમે દરોડા પાડી બે હિટાચી મશીન તેમજ રેતી ભરેલી બે ટ્રક સહિત 1 કરોડ 50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.રેતી અને માટી ખનન કરતા લોકો સામે ભૂસ્તર વિભાગના અધિકારી દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.ભરૂચ નર્મદા નદીના પટમાંથી રાત્રીના સમયે મોટી માત્રામાં ગેરકાયદેસર રેતીખનનનું કૌભાંડ ચાલી રહ્યું હતુ.ભૂસ્તર વિભાગની ટીમે દરોડા પાડતા વાહન ચાલકો 2 ટ્રક સહિત 1 મશીન બિનવારસી મુકીને ભાગી છુટ્યા હતા જ્યારે બીજુ 1 હિટાચી મશીન રંગેહાથ ઝડપાઈ જવા પામ્યું હતું.થોડા સમય પહેલા પણ આજ સ્થળેથી મામલતદારે 1 હીટાચી મશીન જપ્ત કર્યું હતું તેમ છતાં પણ રેતીખનન માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરવામાં આવી રહ્યું હતું .જેમાં રાજકીય માથાઓ સામેલ હોવાને કારણે આવા રેતીખનની ગેર કાયદેસર પ્રવુતિઓ ચાલતી રહે છે.
આ રેતી ખનન મામલામાં કાયદેસર તપાસ કરવામાં આવે તો આવનારા સમયમાં કોઈ મોટા રાજકિયમાથાના નામો બહાર પડે તો નવાઈ નહીં .હવે જોવાનું એ રહ્યું કે ભૂસ્તર અધિકારી દ્વારા રેડ કરી બે ટ્રક સહિત બે હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યા છે ત્યારે હવે સ્થળ માપણી નિરીક્ષણ કરી કેટલો દંડ ફટકારે છે. તે જોવું રહ્યું તેમજ આ ઉપરાંત ભરૂચ જિલ્લામાં અનેક જગ્યાએ ગેરકાયદેસર રીતે રેતી તેમજ માટીનું ખોદકામ ચાલી રહ્યું છે તો ભરૂચ ભૂસ્તર વિભાગના અધિકારી કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.
હિન્દુસ્થાન સમાચાર / અતુલ પટેલ
/માધવી
