
વડોદરા, 30 નવેમ્બર(હિ. સ.)-વડોદરાના ડભોઈમાં વીજ થાંભલા પર રીપેરીંગ કરતા સમયે કરંટ લાગતા MGVCLના વીજકર્મીનું મોત થયાની ઘટના ઘટી છે. આ અંગે મળતી માહિતી મુજબ ડભોઈમાં વેગા ચોકડી પાસે બે વીજકર્મી થાંભલા પર રીપેરીંગ કામ કરવા માટે ચડ્યા હતા. થાંભલા ઉપર એલ્યુમિનિયમના વાયરો લગાડવાની કામગીરી ચાલતી હતી તે દરમિયાન બંને વીજકર્મીને કરંટ લાગ્યો હતો, જેમાં એકનું મોત થયું હતું, જ્યારે બીજાનો બચાવ થયો હતો.
થાંભલા દરમિયાન વીજ કરંટ લાગતા બંને કર્મચારીઓએ પોતાના બચાવમાં બુમાબૂમ કરી હતી. બે કર્મચારી પૈકી દિલીપભાઈ મનાભાઈ રાવળને થાંભલા પરથી ઉતરી જવામાં સફળતા મળી હતી, જ્યારે અરવિંદભાઈ સોમાભાઈ બારીયા થાંભલા પરથી ઉતરી ન શકતા ગંભીર રીતે વીજ કરંટ લાગ્યો હતો.
વીજકર્મી અરવિંદભાઈ બારીયાને પ્રાથમિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે ડભોઈ અને ત્યાંથી વડોદરા ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયા પરંતુ સારવાર દરમિયાન મોત થયું હતું.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/માધવી
