
ગીર સોમનાથ 26 ડિસેમ્બર (હિ.સ.)
સોમનાથ
દેશ-રાજ્યના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારી અર્થે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં ઘેલા સોમનાથ થી સોમનાથ સુધીની ૨૨૯ કિ.મી લાંબી
‘જનકલ્યાણ શિવવંદના પદયાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે.
ઘેલા સોમનાથ થી શરૂ થયેલી આ યાત્રાનું ભંડૂરી ખાતે રાત્રી રોકાણ થયું હતું. આજે વહેલી સવારે આગેવાનો સાથે સૌજન્ય મુલાકાત બાદ મંત્રીની આગેવાનીમાં પટેલ સમાજની વાડી, ભંડૂરીથી પદયાત્રીઓએ સોમનાથ તરફ જવા પ્રસ્થાન કર્યું હતું.
ભંડૂરી થી શરૂ થયેલી યાત્રામાં પદયાત્રીઓના ‘જય સોમનાથ’ ના ગગનભેદી નાદ સાથે ગીર સોમનાથ જિલ્લાના શાંતિપરાથી પ્રવેશ કર્યો હતો. ગીર સોમનાથમાં પ્રવેશેલી આ પદયાત્રાનું ઠેર-ઠેર પુષ્પવર્ષાથી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આગળ ચાલતાં રથમાં ધાર્મિક ગીતોના તાલે અને ‘હર હર મહાદેવ’ના નાદ સાથે પદયાત્રીઓએ હાથમાં ધ્વજા લઈને પગપાળા શિવ આરાધના કરતા સોમનાથ મંદિર તરફ ઉત્સાહભેર પ્રયાણ કર્યુ હતું.
ગીર સોમનાથ જિલ્લામાં પ્રવેશતાં પહેલા પદયાત્રા દરમિયાન રસ્તામાં ગડુ ખાતે મંત્રીએ સ્થાનિક મહિલાઓ, આંગણવાડી મહિલા કર્મચારીઓ અને આગેવાનો સાથે સંવાદ સાધ્યો હતો અને મંત્રીના હસ્તે સીદી આદિવાસી મહિલા વિકાસ બચત અને ધીરાણ જૂથને રૂ.૧.૫૦ લાખનો ચેક અર્પણ કરાયો હતો.
આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ આત્મનિર્ભર બને એ માટે અનેક યોજનાઓ કાર્યરત છે. મહિલાઓ સ્વ-હસ્તે બનાવેલી વસ્તુઓથી આવક રળી શકે એ માટેના હરહંમેશ રાજ્ય સરકારના પ્રયત્નો રહ્યાં છે.
મંત્રીએ મિશન મંગલમ, સેલ્ફ હેલ્પ ગ્રુપ, દિન દયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, મહિલા અને બાળ વિકાસ વિભાગ સહિતની રાજ્ય સરકારની કલ્યાણલક્ષી યોજનાઓ વિશે ઉપસ્થિત સર્વેને અવગત કરી રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો વધુને વધુ લાભ લેવા અપીલ કરી હતી.
આ સાથે જ મંત્રીએ પદયાત્રામાં સહયોગ આપનાર આગેવાનો, સ્થાનિક ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ગડુ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા પદયાત્રીઓ માટે વિશેષ આરોગ્ય કેમ્પ રાખવામાં આવ્યો હતો. જ્યાં પદયાત્રીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છેકે, ભંડૂરીથી શરૂ થયેલી આ પદયાત્રા ગડુ-ચોકડી, સીમાર, સુપાસી સહિતના વિવિધ ગામોમાંથી પસાર થઈને સાંજે સોમનાથ મંદિર ખાતે પહોંચશે.
આ પદયાત્રામાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા, વિવિધ ગામના સરપંચશ્રીઓ, આગેવાનો અને ગ્રામજનો સહભાગી થયા હતાં.
—————
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
