– મંત્રીઓ સહિત 241 અધિકારીઓ શિબિરમાં જોડાશે
વલસાડ, 27 નવેમ્બર (હિ.સ.) : ચિંતન શિબિરની 12મી કડી અંતર્ગત મુખ્યમંત્રી ‘ટીમ ગુજરાત’ સાથે વલસાડ થી ધરમપુર નજીક શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે રવાના થયા છે. વલસાડ જિલ્લાના ધરમપુર નજીક શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે 27 નવેમ્બર થી ’સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ની થીમ સાથે ચિંતન શિબિરનું આયોજન કરાયું છે. જેમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રી મંડળ સાથે અમદાવાદથી વંદે ભારત ટ્રેનમાં બેસીને વલસાડ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાંથી બાયરોડ ધરમપુર જવા રવાના થયા છે. આ 12મી ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને 241 ઉચ્ચ સનદી અધિકારીઓ જોડાશે.ચિંતન શિબિરનું ઉદ્ઘાટન આજે બપોરે 2:30થી 3:30 દરમિયાન થશે. ઉદ્ઘાટન સત્ર બાદ ત્રણ દિવસ સુધી સતત ચર્ચા–સત્રો, પ્રેઝન્ટેશન અને જૂથ-ચર્ચાઓનું આયોજન રહેશે.
આ શિબિરમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો તેમજ મુખ્યસચિવ મનોજકુમાર દાસ સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ-સૌ કોઈ પોતાના સરકારી વાહનને બદલે ભારતીય રેલ સેવાની ‘વંદે ભારત’ સુપરફાસ્ટ ટ્રેનમાં સહપ્રવાસી બનીને અમદાવાદથી રવાના થયા હતા અને વલસાડ પહોંચ્યા હતા. જ્યાં આરામ કર્યા બાદ બપોરે અઢી વાગ્યે ચિંતન શિબિરનું ઉદઘાટન કરશે.
વલસાડના ધરમપુર ખાતે યોજાનારી 12મી ચિંતન શિબિર માટે રાજ્યના મુખ્યમંત્રી સાથે મંત્રીમંડળ સાથે વલસાડ રેલવે સ્ટેશન આવતા વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મંત્રીમંડળનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
શિબિરના અંતિમ દિવસે, એટલે કે 29 નવેમ્બરે સમાપન સમારોહમાં વર્ષ 2024-25ના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને “કર્મયોગી પુરસ્કાર” એનાયત કરવામાં આવશે. આ પુરસ્કાર ઉત્તમ વહીવટી કામગીરી અને નવીન પ્રયોગો માટે આપવામાં આવે છે.
ચિંતન શિબિર દરમિયાન પૂર્ણ દિવસના વિવિધ સત્રો યોજાશે, જેમાં પ્રેઝન્ટેશન, પ્રશ્નોત્તરી, વહીવટી પ્રક્રિયાની સમીક્ષા અને નવી નીતિઓ માટેના સૂચનો લેવામાં આવશે. જૂથ કાર્ય દ્વારા અધિકારીઓ પોતપોતાના વિભાગોની યોજનાઓ અને પડકારોને પણ રજૂ કરશે.
વર્ષ 2003માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલી ચિંતન શિબિરની પરંપરાનું હેતુ રાજ્ય વહીવટને વધુ નાગરિક–કેન્દ્રિત, કાર્યક્ષમ અને પારદર્શક બનાવવાનું રહ્યું છે. તેમની વિચારસરણીને આગળ ધપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 12મી ચિંતન શિબિર પ્રશાસનમાં આધુનિકતા, ટેકનોલોજીનો સદુપયોગ અને સંવેદનશીલતાનો સંગમ લાવવાનો પ્રયાસ કરશે.ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ પરંપરાને આગળ ધપાવતા પ્રશાસનિક સમયાનુરૂપ ટેકનોલોજી અને પારદર્શકતા સાથે સંવેદનશીલતાની નવી દિશા આપવા આ વર્ષે ’સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ની થીમ સાથે ચિંતન શિબિરની 12મી કડીનું આયોજન કર્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ
