


મહેસાણા, 22 ડિસેમ્બર (હિ.સ.) : વિસનગરની એમ.એન. કોલેજના પ્રાધ્યાપક શક્તિ પ્રવીણભાઈ રામાનંદી દ્વારા કરાયેલા પીએચડી સંશોધનમાં ગૌમૂત્ર અને જીવામૃતની ઘઉંના પાક પર થતી હકારાત્મક અસરો વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ છે. આ સંશોધનમાં કાંકરેજ, ગીર અને HF ગાયના ગૌમૂત્રના રસાયણિક તત્વોનું તુલનાત્મક વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતની ઓળખ ગણાતી કાંકરેજ ગાયના ગૌમૂત્ર પર ભાર મૂકાયો હતો.
સંશોધન દરમિયાન સિઝનલ અને બ્રિડ વેરીએશનના આધાર પર વિવિધ પેરામીટરનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. પરિણામે જાણવા મળ્યું કે કાંકરેજ અને ગીર ગાયના ગૌમૂત્રમાં નાઈટ્રોજન સહિતના ઉપયોગી ખનિજ તત્વો વધુ પ્રમાણમાં જોવા મળે છે, જ્યારે HF ગાયના ગૌમૂત્રમાં તે તુલનાત્મક રીતે ઓછા છે. ગીર અને કાંકરેજ ગાયના ગૌમૂત્રનું pH આલ્કલાઇન હોવાનું પણ સામે આવ્યું. સાથે સાથે દેશી ગાયના ગૌમૂત્ર અને છાણમાંથી તૈયાર કરાયેલા જીવામૃતનો ઉપયોગ કરીને ઘઉંના પાકમાં સતત 2 વર્ષ સુધી પ્રયોગ કરવામાં આવ્યા. જીવામૃત અપાયેલા પ્લોટમાં છોડની વૃદ્ધિ, દાણાની ગુણવત્તા અને કુલ ઉત્પાદન નોંધપાત્ર રીતે વધારે જોવા મળ્યું. જમીનના અભ્યાસમાં પણ પ્રાકૃતિક ખેતી કરતી જમીનમાં માઈક્રોબિયલ એક્ટિવિટી વધુ હોવાનું સામે આવ્યું.
આ સંશોધન પ્રાકૃતિક અને ગૌ આધારિત ખેતી માટે માર્ગદર્શક સાબિત થઈ ખેડૂતોને નવી દિશા આપશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
—————
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR
