
સુરત, 17 ડિસેમ્બર(હિ. સ.)-આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ ખાતે, નવનિર્મિત ટર્મિનલ બિલ્ડીંગ અને ખજોદ સ્થિત સુરત ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરવાના છે. જેને અનુલક્ષીને સુરત ડાયમંડ બુર્સ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઇ કરવામાં આવી રહેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી. ડાયમંડ બુર્સના ઉદ્દઘાટન સમારોહની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. તેમણે કાર્યક્રમના આયોજન સંબંધિત જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા. મંત્રીને ડાયમંડ બુર્સના ડિરેક્ટર મથુરભાઈ સવાણીએ જરૂરી વ્યવસ્થાઓ અને તૈયારીઓથી વાકેફ કર્યા હતા.
કાર્યક્રમ સ્થળે મંત્રીજીની સાથે જિલ્લા કલેક્ટર આયુષ ઓક, પોલીસ કમિશનર અજય તોમર, ડિરેક્ટર લાલજીભાઈ પટેલ સહિત આયોજકો, અગ્રણીઓ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ જોડાયા હતા. નોંધનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ, ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઈ લખાણી, ડિરેક્ટર સર્વ મથુરભાઈ સવાણી, ગોવિંદભાઈ ધોળકિયા, લાલજીભાઈ પટેલ, સુરત ડાયમંડ ઈન્સ્ટીટયુટના ચેરમેન દિનેશભાઈ નાવડિયા, બુર્સ કમિટીના સભ્યો, સહિત હીરા ઉદ્યોગ અગ્રણીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/માધવી
