બોટાદ, 14 ડિસેમ્બર(હિ. સ.) ગઢડા(સ્વામીના) મુકામે છેલ્લા ત્રણ દાયકા ઉપરાંતથી યુવાનોમાં સ્પોર્ટ ક્ષેત્રે રૂચી જાળવી શ્રેષ્ઠ ક્ષમતાઓ કેળવવા માટે સ્પોર્ટ કલબ કાર્યરત છે. આ સ્પોર્ટ્સ ક્લબના વોલીબોલ પ્લેયર તરીકે અગ્રેસર રહેલા બે ખેલાડીઓની નેશનલ કક્ષાએ વોલીબોલ ખેલાડી તરીકે પસંદગી થતા સ્પોર્ટ્સ કલબ અને ગઢડાનું ગૌરવ વધાર્યું છે.
વોલીબોલ માટે નેશનલ કક્ષાએ પસંદ થયેલા બે ખેલાડીઓ રવિરાજસિંહ રાઠોડ અને જય સોલંકીની ભાવનગર યુનિવર્સિટી તરફથી નેશનલ વોલીબોલ વેસ્ટઝોન સ્પર્ધામાં પસંદગી થવા પામી છે. આ બંને ખેલાડીઓ મહારાષ્ટ્રના નાંદેડ ખાતે ભાગ લઈ વોલીબોલ ટુર્નામેન્ટમાં રમવા માટે જશે. રવિરાજસિંહ રાઠોડ અને જય સોલંકી બન્ને સ્પોર્ટ્સ ક્લબ ગઢડા ના ખેલાડીઓ હોવા ઉપરાંત ખાસ ઉલ્લેખનીય છે કે ગઢડા ખાતે સ્પોર્ટ્સ ક્લબ ના સ્થાપક સ્વ. ભરતભાઈ છૈયા તેમજ સાથીદારો દ્વારા સ્પોર્ટ્સ ક્લબની સ્થાપના કરવામાં આવી છે. છેલ્લા 30 વર્ષથી વિના મૂલ્યે વોલીબોલ, ટેબલટેનિસ, ક્રિકેટ સાથે જીમની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સ્પોર્ટ્સ ક્લબના માધ્યમથી ગઢડા શહેર અને તાલુકા ના ઘણા બધા યુવાન ખેલાડીઓએ રાજ્યકક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ ગઢડાનું નામ રોશન કર્યું છે.
હિન્દુસ્થાન સમાચાર/
