સુરત, 19 ઓગસ્ટ (હિ.સ.): તારીખ 15, 16, અને 17 એટલે કે સ્વાતંત્ર દિન, જન્માષ્ટમી અને રવિવારની રજાના સમય વચ્ચે તસ્કરોએ સુરત શહેરના ઇતિહાસની સૌથી મોટી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ત્રણ દિવસના સમયગાળાની અંદર તસ્કરોએ કાપોદ્રા વિસ્તારમાં આવેલ કપુર વાડી ખાતે ડી.કે એન્ડ સન્સ નામની હીરાની પેઢીને નિશાન બનાવી હતી અને તિજોરી કાપી નાખી રૂપિયા 32.53 કરોડના હીરાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. આ બનાવમાં ગતરોજ કાપોદ્રા પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચ પોલીસ પણ તપાસમાં જોતરાઈ છે. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની 10 ટીમો તથા કાપોદ્રા પોલીસને પાંચ ટીમો મળી કુલ 15 ટીમ દ્વારા એક જ રાતમાં 300થી વધારે સીસીટીવી કેમેરા ચેક કરી આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જોકે હાલ તો આરોપીઓ જે ઓટો રીક્ષામાં ચોરી કરવા માટે આવ્યા હતા તે ઓટો રીક્ષા પોલીસે આઈડેન્ટીફાય કરી તેના ચાલકને પણ ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની અને સુરતના પુણાગામ વિસ્તારમાં ડુંભાલ કેનાલ રોડ પર સરદાર માર્કેટની બાજુમાં ઇન્ટરસિટી ની પાછળ આવેલ પંચવટી સોસાયટીમાં રહેતા દેવેન્દ્રકુમાર ગેનારામ ચૌધરી શહેરના કાપોદ્રા વિસ્તારમાં કપૂરવાળી ખાતે ચોથા માળે ડાયમંડ કિંગ તથા ડી.કે એન્ડ સન્સ નામની હીરાની પેઢી ધરાવે છે. ગત તારીખ 15, 16 અને 17 ત્રણ દિવસ રજાના દિવસો હોવાથી તેમની હીરાની પેઢી બંધ હતી. આ સમયે અજાણ્યા ચોરી ઈસમોએ તેમની પેઢીને નિશાન બનાવી હતી. અજાણ્યા ચોર ઈસમોએ ચોથા માળે દેવેન્દ્રકુમાર ચૌધરીની હીરાની પેઢીમાં ઓફિસમાં પ્રવેશ કરવા માટે બારીનો કાચ ખોલી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ ઓફિસમાં પ્રવેશતાની સાથે જ સૌથી પહેલા ઓફિસમાં લગાવેલા સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા. આ ઉપરાંત સર્વર રૂમમાં રહેલું સીસીટીવી કેમેરા નું ડીવીઆર પણ ચોરી કરી દીધું હતું. આ સિવાય ડાયમંડ કિંગ પોલીસ પેઢીના 5746.25 કેરેટના રૂપિયા 3,55,05,987ના હીરા તથા રૂપિયા 20,47,58,782ના રફ હિરા કુલ 87068.35 કેરેટ, ડી.કે. એન્ડ સન્સના પોલીસના રૂપિયા 4,07,09,761ના હિરા કુલ કેરેટ 3163.58, તથા રૂપિયા 4,57,65,298ના રફ હિરા કુલ 16583.72 કેરેટ અને રોકડા રૂપિયા 5,00,000 મળી કુલ રૂપિયા 32,53,04,942ના હીરાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. બનાવને પગલે જાણ થતાંની સાથે જ કાપોદ્રા પીઆઇ તથા એસીપી, ડીસીપી સહિત ક્રાઈમ બ્રાન્ચ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તપાસમાં જોતરાયો હતો. મોડી સાંજે પણ પોલીસને કોઈ પગેરૂ ન મળતા કાપોદ્રા પોલીસની પાંચ ટીમો અને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસની કુલ 10 ટીમો આ તપાસમાં જોતરાઈ હતી. રાત્રિના સમયગાળાની અંદર જ પોલીસે કાપોદ્રા કપૂરવાડીથી રેલવે સ્ટેશન સુધીના 300 જેટલા સીસીટીવી કેમેરા ખૂંદી નાખ્યા હતા. આ દરમિયાન સીસીટીવી કેમેરામાં ચારથી પાંચ અજાણ્યા ચોર ઈસમો કેદ થયા છે. જેથી પોલીસે તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં ટીમ રવાના કરી છે.
ચોરીની ઘટનાને અંજામ આપી તસ્કરો 32.53 કરોડના હીરા લઇ સુરત શહેરમાંથી ભાગવા માટે અને પોલીસની નજરમાં પણ ન આવે તે માટે એક પેસેન્જર ઓટો રીક્ષા ભાડે કરી હતી. જે ઓટો રીક્ષામાં તેઓ કપૂરવાડીથી સુરત રેલ્વે સ્ટેશન સુધી ગયા હતા. આ ઓટો રીક્ષા સુરત પોલીસ દ્વારા સીસીટીવી કેમેરામાં ઓળખી કાઢવામાં આવી છે અને તેના ચાલકને પણ ઝડપી પાડી તેની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસની તપાસમાં ઓટોરિક્ષામાં સવાર ચાર થી પાંચ ઈસમો સુરત રેલવે સ્ટેશન પર ઉતર્યા હતા. જ્યાંથી તેઓ ટ્રેન મારફતે સુરત છોડી ભાગી ગયા હોવાના સંકેત મળી રહ્યા છે. જેથી પોલીસે સુરત રેલવે સ્ટેશન પર સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરી છે. પોલીસના પ્રાથમિક અંદાજ મુજબ તસ્કરો ટ્રેન મારફતે રાજસ્થાન અથવા મુંબઈ તરફ રવાના થઈ ગયા હોવાનું તપાસમાં કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
—————
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે
