પોરબંદર/અમદાવાદ,28 નવેમ્બર (હિ.સ.) ફળોના રાજા તરીકે જેની ગણના થાય છે, તેવી વિશ્વ પ્રસિદ્ધ સૌરાષ્ટ્રની કેસર કેરી આમ તો ઉનાળુ ફળ ગણવામાં આવે છે. વાતાવરણમાં બદલાવ કહો કુદરતની કરામત પરંતુ આ વખતે ભર શિયાળે આંબામાં કેસર કેરી આવી ગઈ છે. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કડકડતી ઠંડીની વચ્ચે ઉનાળુ કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે.પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં હરાજી દરમિયાન કેરીનું ડ્રાયફ્રૂટથી પણ વધુ ઐતિહાસિક ભાવે વેચાણ થયું છે.
રાજ્યમાં ગીરની કેસર કેરી અને હવે પોરબંદર જિલ્લાની સ્થાનિક કેરીની પણ બજારમાં સારી માગ રહે છે. કેરી એ ઉનાળુ ફળ ગણાય છે અને ઉનાળામાં જ કેરી વેચાણ માટે બજારમાં આવતી હોય છે. આ વખતે વાતાવરણમાં બદલાવ કે પછી અન્ય કોઈ કારણોસર ઉનાળાને બદલે ભર શિયાળે આંબામાં કેરીનો ફાલ આવતા કેરીના આંબા ધરાવતા ખેડૂતોથી લઈને વેપારીઓ સહિત સૌ કોઈમાં ભારે કુતૂહલ સાથે આશ્ચર્ય જોવા મળી રહ્યું છે.
પોરબંદરના બજારમાં કેસર કેરીના બોક્સ વેચાણ માટે આવ્યા છે. પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીનું આગમન થયું હતું. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. માર્કેટિંગ યાર્ડમાં સુદામા ફ્રૂટ કંપનીમાં બે બોક્સ કેસર કેરી એટલે કે, 20 કિલો કેસર કેરી વેચાણ માટે આવી છે, જેનું 14 હજારના ઊંચા ભાવે વેચાણ થયું છે. આમ, એક કિલો કેરીનું 700 રૂપિયાના ઐતિહાસિક ભાવે વેચાણ કરવામાં આવ્યું છે. આટલા ઉંચા ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.
પોરબંદર જિલ્લાના હનુમાનગઢ, બિલેશ્વર, ખંભાળા, કાટવાણા અને આદિત્યાણામાં કેરીનું મબલક ઉત્પાદન થાય છે. અહીંની કેસર કેરીનું ફળ મોટું અને સારી ગુણવત્તાનું હોવાથી માંગ પણ સારી રહે છે. સામાન્ય રીતે માર્ચ મહિનાના અંતમાં કેરીનું આગમન થાય છે. પણ આ વખતે કેટલાક આંબામાં ભર શિયાળે ફળ આવતા ખેડૂતો પણ આશ્ચર્યમાં મૂકાયા છે. આગામી સમયમાં કેરીનો સારો પાક આવવાની ખેડૂતોને આશા છે. કેરીની હરાજી કરનાર વેપારીએ જણાવ્યું હતું કે, આટલા વહેલા કેરીનું આગમન અને તેના ભાવ ઐતિહાસિક છે.
ખેડૂત નાગાજણ અરભમ બોખીરીયાએ જણાવ્યું હતું કે, અમારા ફાર્મમાં આ વખતે 15થી 20 જેટલા આંબામાં કેરી આવી છે, જેમાંથી 20 કિલો કેરી ઉતારવામાં આવી છે, જેના 14,000 રૂપિયા ભાવ મળ્યો છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, ગયા વર્ષે આ વૃક્ષોમાં કેરી આવી ન હતી, એટલા માટે અત્યારે આ આંબામાં કેરી આવી છે. આ સિવાયના બાકીના જે વૃક્ષો છે, તેમાં પણ કેરી આવવાનું શરૂ થયું છે.
હિન્દુસ્થાન સમાચાર/
