અમરેલી, 3 નવેમ્બર (હિ.સ.) આપ પાર્ટીની સભા દરમિયાન દલિત સમાજના એક યુવક સાથે ચેતન ધાનાણીએ અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને જાતિ આધારિત અપશબ્દો ઉચ્ચાર્યા હોવાનો આક્ષેપ થયો છે. આ મામલે દલિત સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે અને અમરેલી તાલુકા પોલીસ મથકે મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો એકત્ર થઈને ચેતન ધાનાણી વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો છે.
આ ઘટનાને લઈને દલિત અગ્રણી ભરત કાતરીયાએ જણાવ્યું કે, “આજના સમયમાં પણ આવી જાતિ આધારીત અપમાનજનક ભાષા બોલવી અત્યંત શરમજનક બાબત છે. દલિત સમાજ આ પ્રકારની માનહાનિ સહન નહીં કરે.” સાવરકુંડલાના દલિત નેતા હસુ બગડાએ કહ્યું કે, “ભાજપના નેતાઓ લોકો સામે સૌહાર્દ અને સમાનતાની વાત કરે છે, પરંતુ તેમના વર્તનમાં હજીયે ભેદભાવ છલકાય છે.”
આ મામલે આપ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ પણ ભાજપ પર તીવ્ર પ્રહાર કરતાં જણાવ્યું કે, “દલિત સમાજના સ્વાભિમાન સાથે ખેલવાનું ભાજપના કેટલાક નેતાઓનું સ્વભાવ બની ગયું છે. આ ઘટનામાં કડક પગલાં ભરવા જોઈએ, નહિતર આપ પાર્ટી રાજ્યવ્યાપી આંદોલન કરશે.”
હાલ અમરેલી તાલુકા પોલીસે ફરિયાદ નોંધાવી તપાસ હાથ ધરી છે. બીજી તરફ, ચેતન ધાનાણી તરફથી આ આરોપોને રાજકીય પ્રેરિત ગણાવી ખંડન કરાયું છે. આ બનાવને કારણે અમરેલી જિલ્લામાં રાજકીય તાપમાન ચઢી ગયું છે અને દલિત સમાજમાં ન્યાયની માંગ ઉઠી છે.
—————
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai
