નવી દિલ્હી, 10 જાન્યુઆરી (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરીએ, મહારાષ્ટ્રના નાસિકમાં 27માં રાષ્ટ્રીય યુવા ઉત્સવનું ઉદ્ઘાટન કરશે અને દેશના યુવાનોને સંબોધિત કરશે.
એક અધિકૃત પ્રકાશન મુજબ, આ વર્ષે, રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી વિવિધ સરકારી વિભાગોના સહયોગથી સમગ્ર ભારતના જિલ્લાઓમાં, યુવા બાબતોના વિભાગની તમામ પ્રાદેશિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે. એનએસએસ એકમો, એનવાયકેએસ અને કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ સાથે મળીને સમગ્ર દેશમાં ‘મારું ભારત’ સ્વયંસેવકો ભારત માટે સ્વયંસેવક પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે તેમની શક્તિઓનું સંકલન કરશે. આ અભિયાનમાં 88,000 થી વધુ સ્વયંસેવકો ભાગ લેશે.
આ કાર્યક્રમો માટે સ્વયંસેવકો, માય ભારત ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા નોંધાયેલા છે. 12 જાન્યુઆરીના રોજ દેશના, મોટા શહેરો અને 750 જિલ્લા મુખ્યાલયોમાં માર્ગ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. પ્રશિક્ષિત માર્ગ સલામતી સ્વયંસેવકોને કેન્દ્રીય અને રાજ્યના મંત્રીઓ, સ્થાનિક સાંસદો અથવા ધારાસભ્યો દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવશે, જે સઘન અભિયાન દ્વારા આવતીકાલને વધુ સુરક્ષિત બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ સ્વયંસેવકોને ટ્રાફિક ચોક પોઈન્ટ પર ટ્રાફિકને નિયંત્રિત કરવામાં અને માર્ગ સલામતી જાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે તૈનાત કરવામાં આવશે.
સ્વયંસેવકો બાળકો માટે, વાર્તાકથન સત્રો માટે આંગણવાડી કેન્દ્રોની પણ મુલાકાત લેશે અને સરકારી યોજનાઓ વિશે માહિતી પ્રસારિત કરશે.
ઉલ્લેખનીય છે કે, 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ છે અને તેને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દેશના 763 જિલ્લાઓમાં રાષ્ટ્રીય યુવા દિવસ પર જિલ્લા કક્ષાનો મેગા કાર્યક્રમ સ્વામી વિવેકાનંદને પુષ્પાંજલિ અર્પણ સાથે શરૂ થશે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ / અનુપ / માધવી
