નવી દિલ્હી, 21 ઓગસ્ટ (હિ.સ.). શુક્રવારે લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. આ સત્રમાં 14 બિલ રજૂ કરવામાં આવ્યા હતા અને 12 બિલ પસાર કરવામાં આવ્યા હતા. બિહારમાં મતદાર યાદી અપડેટ કરવાની પ્રક્રિયા અને અન્ય મુદ્દાઓ પર વિપક્ષના હોબાળાને કારણે કાર્યવાહી પ્રભાવિત થઈ હતી. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સત્રના અંતે ગૃહમાં થયેલા કામકાજ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, આયોજિત વિક્ષેપોને કારણે નિર્ધારિત 120 કલાકમાંથી માત્ર 37 કલાક ચર્ચા શક્ય બની હતી. સત્ર 21 જુલાઈએ શરૂ થયું હતું અને આજે તેનો અંત જાહેર કરવામાં આવી રહ્યો છે. આ સમય દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ગૃહમાં હાજર હતા.
બિરલાએ કહ્યું કે, 28-29 જુલાઈએ ‘ઓપરેશન સિંદૂર’ પર ગૃહમાં ખાસ ચર્ચા યોજાઈ હતી, જે વડા પ્રધાનના જવાબ સાથે સમાપ્ત થઈ હતી. આ ઉપરાંત, 18 ઓગસ્ટે ભારતના અવકાશ કાર્યક્રમ પર ખાસ ચર્ચા યોજાઈ હતી. આ સત્રમાં પૂછવા માટે 419 તારાંકિત પ્રશ્નોની યાદી બનાવવામાં આવી હતી. પરંતુ સતત વિક્ષેપોને કારણે, ફક્ત 55 પ્રશ્નોના મૌખિક જવાબો આપી શકાયા. તેમણે દુઃખ વ્યક્ત કર્યું કે, શરૂઆતમાં નિર્ધારિત 120 કલાકની ચર્ચાને બદલે, ફક્ત 37 કલાકની કાર્યવાહી ચાલી. તેમણે કહ્યું કે, સંસદ લોકોની અપેક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી, ગૃહમાં શિષ્ટ ભાષા અને આચરણ જાળવવું જરૂરી છે. સૂત્રોચ્ચાર, પ્લેકાર્ડનું પ્રદર્શન અને આયોજિત ગતિરોધ સંસદીય પરંપરાઓ અને ગરિમા અનુસાર નથી. અસંમતિ લોકશાહીનો એક ભાગ છે, પરંતુ તેને શિષ્ટાચાર અને ગૌરવ સાથે વ્યક્ત કરવી જોઈએ. તેમણે રાજકીય પક્ષો અને તમામ સભ્યોને આત્મનિરીક્ષણ કરવા અને લોકોની અપેક્ષાઓ અનુસાર સંસદને અર્થપૂર્ણ ચર્ચા માટે એક પ્લેટફોર્મ બનાવવા વિનંતી કરી.
હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ
