નવી દિલ્હી, 16 નવેમ્બર (હિ.સ.) લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહે, ગુરુવારે સંસદ સંકુલમાં હિન્દી પખવાડિયા, 2023નું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં લોકસભા સચિવાલયના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે તેમના મંતવ્યો વ્યક્ત કરતાં સિંહે હિન્દી પખવાડિયા દરમિયાન આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે નામ નોંધાવનારા અધિકારીઓ અને કર્મચારીઓના ઉત્સાહની પ્રશંસા કરી હતી. આ સ્પર્ધાઓમાં ડિબેટ, સ્પીચ, ટાઈપીંગ વગેરેનો સમાવેશ થાય છે.
સિંહે કહ્યું કે, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાના પ્રેરણાત્મક નેતૃત્વ હેઠળ લોકસભા સચિવાલયના અધિકારીઓ અને કર્મચારીઓ હિન્દીના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. સિંહે ખાસ કરીને બિન-હિન્દી ભાષી અધિકારીઓ દ્વારા હિન્દી શીખવા અને તેમના રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ કરવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે અન્ય પ્રાદેશિક ભાષાઓનો વ્યાપક અને યોગ્ય ઉપયોગ કરવાનું પણ સૂચન કર્યું હતું. તેમણે તાજેતરમાં પૂર્ણ થયેલ પી-20 સમિટને સફળ બનાવવા માટે અધિકારીઓ અને સ્ટાફ દ્વારા કરવામાં આવેલી મહેનતની પણ પ્રશંસા કરી હતી.
હિન્દી પખવાડિયા અંતર્ગત આયોજિત વિવિધ કાર્યક્રમોમાં લગભગ 800 પ્રતિભાગીઓ ભાગ લઈ રહ્યા છે. હિન્દી પખવાડિયાનો ઉદ્દેશ્ય સરકારી કામકાજ અને રોજિંદા જીવનમાં હિન્દી ભાષાના ઉપયોગને પ્રોત્સાહિત કરવાનો છે.
હિન્દુસ્થાન સમાચાર/અનુપ/પવન / ડો. હિતેશ
