કોલકતા, નવી દિલ્હી, 20 ડિસેમ્બર (હિ. સ.) રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની નકલ કરનાર તૃણમૂલ કોંગ્રેસના સાંસદ, કલ્યાણ બેનર્જીના વર્તનથી, મુખ્યમંત્રી મમતા બેનર્જી નારાજ હોવાનું કહેવાય છે. તૃણમૂલ કોંગ્રેસના એક નેતાએ નામ જાહેર ન કરવાની શરતે, બુધવારે આ અંગેની માહિતી આપી છે.
તેમણે કહ્યું છે કે, કલ્યાણ બેનર્જીએ સંસદ સંકુલની બહાર, જે રીતે જગદીપ ધનખડની મજાક ઉડાવી છે, તેનાથી લોકો નારાજ છે. કલ્યાણનો વીડિયો સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવ્યો છે. જેના પછી લોકો કહી રહ્યા છે કે, તૃણમૂલ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓના લોકો પોતે જ તેમની હારનો માર્ગ મોકળો કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર શેર કરાયેલા આ વીડિયોને લઈને તૃણમૂલ કોંગ્રેસ પણ અસ્વસ્થ સ્થિતિમાં છે. બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિની આ રીતે મજાક ઉડાવવી અરુચિકર છે. ખુદ તૃણમૂલ કોંગ્રેસે આ મામલે મીડિયામાં જાહેરમાં પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કરી દીધો છે. પાર્ટીના પ્રવક્તા કુણાલ ઘોષને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
જો કે, અન્ય એક નેતાએ કહ્યું કે, કલ્યાણ બેનર્જી, પહેલાથી જ પોતાના વર્તનથી પાર્ટીને મુશ્કેલીમાં મુકી રહ્યા છે. બંગાળમાં પણ તેણે મમતા બેનર્જી વિરુદ્ધ, અભિષેક બેનર્જીનો વિવાદ શરૂ કર્યો હતો, જે બાદ તેણે માફી માંગવી પડી હતી. હવે જ્યારે લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આ પ્રકારનું વર્તન ચોક્કસપણે પક્ષને નારાજ કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, શ્રીરામપુર લોકસભા ક્ષેત્રના તૃણમૂલ કોંગ્રેસના સાંસદ, કલ્યાણ બેનર્જીએ મંગળવારે સંસદ સંકુલમાં ઉપરાષ્ટ્રપતિની નકલ કરી હતી. તેમણે 141 વિપક્ષી સાંસદોને, સસ્પેન્ડ કરવા સામે કોંગ્રેસ અને અન્ય પક્ષોના સભ્યો સાથે વિરોધમાં ભાગ લીધો હતો. જ્યારે તેઓ ઉપરાષ્ટ્રપતિની નકલ કરી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધી તેમનો વીડિયો બનાવી રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / ઓમ પ્રકાશ / સંજીવ / માધવી
