અલ્લુરી સીતારામ રાજુ (આંધ્રપ્રદેશ), નવી દિલ્હી, 12 ડિસેમ્બર (હિ.સ.). આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લામાં મારેડુમિલી ઘાટ રોડ પર શુક્રવારે સવારે થયેલા બસ અકસ્માતમાં મોટી જાનહાનિની આશંકા છે. ઘટનાસ્થળે નવ લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે, અને દસ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધી શકે છે.
ચિત્તૂર જિલ્લાના વિગ્નેશ્વરા ટ્રાવેલ્સની બસ (એપી 39 યુએમ 6543)માં 37 મુસાફરો અને બે ડ્રાઇવરો સવાર હોવાનું જાણવા મળ્યું છે. બસ ભદ્રાચલમથી અરાકુ જઈ રહી હતી. મારેડુમિલી ઘાટ રોડ પર રાજુ ગરી મેટ્ટુ વળાંક પાસે, બસે કાબુ ગુમાવ્યો અને ખાઈમાં પડી ગઈ. માહિતી મળતાં, સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી ગયા અને બચાવ કામગીરી શરૂ કરી. ઘાયલોને વધુ સારવાર માટે ભદ્રાચલમ એરિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.
અહેવાલો દર્શાવે છે કે, બસ 6 ડિસેમ્બરે રાત્રે 9 વાગ્યે યાત્રા માટે રવાના થઈ હતી. આ યાત્રાનું આયોજન ચિત્તૂર શહેરના રામમૂર્તિ નામના એજન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. બસ ભદ્રાચલમ યાત્રા પૂર્ણ કર્યા પછી અન્નવરમ જઈ રહી હતી. મુસાફરોની ઓળખ ચિત્તૂર જિલ્લાના રહેવાસી તરીકે કરવામાં આવી છે.
આ અકસ્માત પહાડી વિસ્તારમાં થયો હતો. ઘાટ રોડ પર બરફ જમા થવાને કારણે બસ લપસીને ખીણમાં પડી ગઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બધા મૃતકોની ઉંમર 50 વર્ષથી વધુ હોવાનું કહેવાય છે.
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ, બસ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું. અધિકારીઓએ તેમને માહિતી આપી કે, ઘાયલોને ચિંતૂર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ જિલ્લાના વરિષ્ઠ મહેસૂલ અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી વધુ તીવ્ર બનાવવાનો આદેશ આપ્યો છે. મંત્રી નારા લોકેશ અને ગૃહમંત્રી અનિતાએ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
અધિકારીઓએ જણાવ્યું કે, મૃતકોમાંથી બેની હજુ સુધી ઓળખ થઈ નથી. મૃતકોમાં શ્રીકલા, સુનંદા, શિવ શંકર રેડ્ડી, ઉમા રેડ્ડી, કૃષ્ણા કુમારી રઘુરા મધુ અને પુંગુલા પ્રસાદનો સમાવેશ થાય છે, જેમાંથી પાંચ મહિલાઓ છે.
હિન્દુસ્થાન સમાચાર/નાગરાજ રાવ/મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ
