નવી દિલ્હી,16 ઓક્ટોબર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગ્લોબલ મેરીટાઇમ ઇન્ડિયા સમિટ (GMIS) 2023ની ત્રીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે.
આ સમિટ 17 થી 19 ઓક્ટોબર દરમિયાન મુંબઈના MMRDA મેદાનમાં યોજાશે. ત્રણ દિવસીય સમિટમાં બંદરોના ભાવિ સહિત દરિયાઈ ક્ષેત્રના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા અને વિચાર-વિમર્શ કરવામાં આવશે. આ સમિટ દેશના મેરીટાઇમ સેક્ટરમાં રોકાણને આકર્ષવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પણ પૂરું પાડશે.
આ કાર્યક્રમ દરમિયાન, વડાપ્રધાન ‘અમૃત કાલ વિઝન 2047’નું અનાવરણ કરશે, જે ભારતીય દરિયાઈ ‘બ્લુ’ અર્થતંત્ર માટે લાંબા ગાળાની બ્લુપ્રિન્ટ છે. આ ભાવિ યોજનાને અનુરૂપ, વડાપ્રધાન ઉદ્ઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે અને રૂ. 23 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
આ સમિટ દેશની સૌથી મોટી મેરીટાઈમ ઈવેન્ટ છે. તેમાં યુરોપ, આફ્રિકા, દક્ષિણ અમેરિકા, એશિયા (મધ્ય એશિયા, મધ્ય પૂર્વ અને BIMSTEC ક્ષેત્ર સહિત)ના દેશોનું પ્રતિનિધિત્વ કરતા વિશ્વભરના મંત્રીઓ હાજરી આપશે. આ સમિટમાં વિશ્વભરના ગ્લોબલ સીઈઓ, બિઝનેસ લીડર્સ, રોકાણકારો, એક્ઝિક્યુટિવ્સ અને અન્ય હિતધારકો પણ ભાગ લેશે. આ ઉપરાંત, મંત્રીઓ અને અન્ય મહાનુભાવો દ્વારા સમિટમાં ઘણા ભારતીય રાજ્યોનું પ્રતિનિધિત્વ પણ કરવામાં આવશે.
વડાપ્રધાન ગુજરાતમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી ખાતે રૂ. 4,500 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવનાર ટુના ટેકરા ઓલ વેધર ડીપ ડ્રાફ્ટ ટર્મિનલનો શિલાન્યાસ કરશે. આ અત્યાધુનિક ગ્રીનફિલ્ડ ટર્મિનલ PPP મોડમાં વિકસાવવામાં આવશે. આ ટર્મિનલ આંતરરાષ્ટ્રીય વેપાર હબ તરીકે ઉભરી આવે તેવી શક્યતા છે. તે 18,000 વીસ-ફૂટ સમકક્ષ એકમો (TEU) ના નેક્સ્ટ જનરેશન વેસલ્સનું સંચાલન કરશે અને ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર (IMEEC) દ્વારા ભારતીય વેપાર માટે ગેટવે તરીકે કામ કરશે. આ કાર્યક્રમ દરમિયાન, વડા પ્રધાન દરિયાઈ ક્ષેત્રમાં વૈશ્વિક અને રાષ્ટ્રીય ભાગીદારી માટે રૂ. 7 લાખ કરોડથી વધુ મૂલ્યના 300 થી વધુ સમજૂતી કરાર (એમઓયુ) પણ સમર્પિત કરશે.
ઉલ્લેખનીય છે કે પ્રથમ મેરીટાઇમ ઈન્ડિયા સમિટ 2016માં મુંબઈમાં યોજાઈ હતી. બીજી મેરીટાઇમ સમિટ વર્ચ્યુઅલ રીતે 2021 માં યોજાઈ હતી.
