મુંબઈ, નવી દિલ્હી, શિવસેના (યુબીટી)ના પ્રચાર ગીતમાં ‘જય ભવાની’ અને ‘હિન્દુ હા તુજા ધર્મ’ શબ્દોના ઉપયોગ પર, વાંધો ઉઠાવતા ચૂંટણી પંચે પક્ષ પ્રમુખ ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેને, નોટિસ પાઠવી છે. ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરેને પ્રચાર ગીતમાંથી આ બે શબ્દો, તાત્કાલિક દૂર કરવાનો આદેશ પણ આપ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ રવિવારે કહ્યું હતું કે,” ચૂંટણી પંચ તેમની સામે પગલાં લેશે તો પણ તેઓ પ્રચાર ગીતમાંથી આ શબ્દો હટાવશે નહીં.”
ઉદ્ધવ ઠાકરેએ પત્રકારોને જણાવ્યું હતું કે,” તેમણે મતદારોને જાગૃત કરવા પ્રચાર ગીતમાં આ શબ્દોનો ઉપયોગ કર્યો છે. છત્રપતિ શિવાજી મહારાજે ‘જય ભવાની’ના નારા લગાવીને હિંદવી સામ્રાજ્યની સ્થાપના કરી હતી. હવે ચૂંટણી પંચે જય ભવાની શબ્દ સામે વાંધો ઉઠાવવાનું શરૂ કર્યું છે. આપણા દેશમાં આપણે આપણા દેવી-દેવતાઓના નામ નથી લઈ શકતા.”
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે,” તેમણે વડાપ્રધાન મોદી અને અમિત શાહના ભાષણની ક્લિપ સાથે ચૂંટણી પંચને, ફરિયાદ પત્ર મોકલ્યો હતો. જેમાં આ લોકોએ ધાર્મિક પ્રચાર કર્યો હતો, પરંતુ હજુ સુધી ચૂંટણી પંચે તેનો જવાબ આપ્યો નથી. ચૂંટણી પંચ ધાર્મિક પ્રચાર કરવા બદલ મોદી-શાહ વિરુદ્ધ કાર્યવાહી નથી કરી રહ્યું, પરંતુ પક્ષપાતી કાર્યવાહીમાં તેમને નોટિસ ફટકારી છે.” ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે,” અમે ચૂંટણી પંચની નોટિસ સ્વીકારીશું નહીં અને પ્રચાર ગીતમાંથી જય ભવાની હટાવીશું નહીં.”
