નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી : સંત રવિદાસ જયંતિ આજે (શનિવાર) સમગ્ર દેશમાં ધામધૂમ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ પ્રસંગે લોકોને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ તેમની પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ સંત રવિદાસને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે.
રાષ્ટ્રપતિ મુર્મુએ સંત રવિદાસની 647મી જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, “સંત રવિદાસ આધ્યાત્મિક જ્ઞાનના પ્રતીક હતા. તેમણે શ્રદ્ધા અને નિષ્ઠા સાથે માનવતાની સેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું હતું.” પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (પીઆઈબી) એ રાષ્ટ્રપતિનો સંદેશ જાહેર કર્યો છે.
રાષ્ટ્રપતિએ કહ્યું, “હું ગુરુ રવિદાસજીની જન્મજયંતિના શુભ અવસર પર તમામ દેશવાસીઓને મારી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપું છું. તેઓ જાતિ આધારિત અને સામાજિક ભેદભાવ નાબૂદ કરવા માટે લડ્યા. ગુરુ રવિદાસજીએ, ભક્તિમય આચરણ કરીને સમાજમાં સુમેળ લાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે સમાજમાં શાંતિ, સહિષ્ણુતા અને ભાઈચારાનો સંદેશો ફેલાવ્યો. ”રાષ્ટ્રપતિએ નાગરિકોને સંત રવિદાસના ઉપદેશોને તેમના જીવનમાં અપનાવવા આહ્વાન કર્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંત રવિદાસ જયંતિની પૂર્વ સંધ્યાએ વારાણસીના સીર ગોવર્ધનપુર ખાતે સંત રવિદાસની નવી સ્થાપિત પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું હતું. સંત રવિદાસ મ્યુઝિયમ અને પાર્કના બ્યુટીફિકેશન માટે શિલાન્યાસ પણ કર્યો હતો. સંત રવિદાસના ગુણોને યાદ કરતા વડાપ્રધાને કહ્યું કે, સંત રવિદાસના ઉપદેશોએ હંમેશા તેમને માર્ગદર્શન આપ્યું છે. સંત રવિદાસે વિભાજિત અને ખંડિત ભારતને ફરીથી ઉર્જાવાન કર્યું. તેમણે કહ્યું, સંત રવિદાસને મત અને ધર્મ ની વિચારધારાઓમાં બાંધી શકાય નહીં.
ભાજપે આજે સવારે એક્સ હેન્ડલ પર સંત રવિદાસના ગુણને યાદ કર્યા. ભાજપે કહ્યું, અમે સંત પરંપરાના મહાન યોગી અને પરમ જ્ઞાની સંત શિરોમણી, ગુરુ રવિદાસજીને તેમની જન્મજયંતિ પર કોટી કોટી નમન કરીએ છીએ.
