નવી દિલ્હી, 20 ઓક્ટોબર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે (શુક્રવારે) રાષ્ટ્રને પ્રથમ હાઇ સ્પીડ રેપિડ ટ્રેન ‘નમો ભારત’ સોંપશે. તેઓ સવારે 11 વાગ્યે દિલ્હી-મેરઠ રૂટના પ્રથમ તબક્કામાં સાહિબાબાદ-દુહાઈ સેક્શન (રેગ્યુલર રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (આરઆરટીએસ)નું ઉદ્ઘાટન કરશે. આ સેક્શન 17 કિલોમીટરનો છે. આ સાથે, થોડા દિવસો માં દિલ્હી અને મેરઠ વચ્ચે ટ્રેન મુસાફરી સરળ બનશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાહિબાબાદમાં હાઈસ્પીડ રેપિડ ટ્રેન ‘નમો ભારત’ને લીલી ઝંડી બતાવવાના કાર્યક્રમ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ હાઈસ્પીડ ટ્રેનને ‘વંદે ભારત’ની તર્જ પર ‘નમો ભારત’ નામ આપવામાં આવ્યું છે. દિલ્હી-મેરઠ રૂટ પર આ પ્રોજેક્ટના પાંચ તબક્કા છે. ઉદ્ઘાટન પહેલા આ ટ્રેનનું ટ્રાયલ રન કરવામાં આવ્યું છે. તેણે 152 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપનો આંકડો સિધ્ધ કર્યો હતો.
ઉદ્ઘાટન બાદ આવતીકાલથી આ હાઇસ્પીડ રેલ સેવા શરૂ થશે. રેપિડ રેલ ચલાવવા માટે નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એનસીઆરટીસી) ની રચના કરવામાં આવી છે. એનસીઆરટીસી એ કેન્દ્ર સરકાર અને દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ રાજ્યોની સંયુક્ત કંપની છે. આ પ્રોજેક્ટ પર જૂન 2019માં કામ શરૂ થયું હતું. પ્રોજેક્ટના બાકીના તબક્કાઓ પૂર્ણ કરવાની અંતિમ તારીખ જૂન 2025 નક્કી કરવામાં આવી છે.
આજથી શરૂ થતા પ્રથમ વિભાગમાં સાહિબાબાદ-દુહાઈ ડેપો વચ્ચે પાંચ સ્ટેશન છે. તેમના નામ સાહિબાબાદ, ગાઝિયાબાદ, ગુલધર, દુહાઈ અને દુહાઈ ડેપો છે. કોર્પોરેશનનો દાવો છે કે, આ ભારતની પ્રથમ આવી ટ્રેન સિસ્ટમ હશે, જેમાં ટ્રેન 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. મુસાફરો મોબાઈલ ફોન અને કાર્ડ દ્વારા પણ ટિકિટ ખરીદી શકશે. રેલ કોચના છેલ્લા ડબ્બામાં સ્ટ્રેચર હશે. જો કોઈ દર્દીને મેરઠથી દિલ્હી રીફર કરવામાં આવે તો તેના માટે અલગ કોચની વ્યવસ્થા કરવામાં આવે છે. જેથી દર્દીને ઓછા ખર્ચે પહોંચાડી શકાય. આ ટ્રેનમાં દિવ્યાંગો માટે અલગ સીટ તૈયાર કરવામાં આવી છે.
