લેહ, નવી દિલ્હી, 31 ઓક્ટોબર : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એ મંગળવારે લેહમાં બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ આપી. રાષ્ટ્રપતિએ રાજ્યના ચોથા સ્થાપના દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ લદ્દાખી કલા અને સંસ્કૃતિનું પ્રદર્શન કર્યું હતું. રાષ્ટ્રપતિ બન્યા બાદ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખની આ તેમની પ્રથમ મુલાકાત છે.
આ પહેલા, મંગળવારે બપોરે લેહ પહોંચતા, લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર બીડી મિશ્રા (નિવૃત્ત) અને આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સ્વાગત કર્યું. લદ્દાખની પ્રથમ મુલાકાત વખતે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
રાષ્ટ્રપતિ મુર્મુ, બુધવારે સિયાચીન ગ્લેશિયરની મુલાકાત લેશે. ત્યાં તે મુશ્કેલ સંજોગોમાં દેશની સેવા કરી રહેલા સૈનિકો સાથે વાત કરશે અને તેમનું મનોબળ વધારશે. રાષ્ટ્રપતિ સેનાના ઉચ્ચ અધિકારીઓને પણ મળશે. રાષ્ટ્રપતિ લેહ જિલ્લાના દૂરદરાજ નુબ્રા વિસ્તારમાં સ્વૈચ્છિક સંસ્થાઓના સભ્યોને પણ મળશે.
