નવી દિલ્હી, 17 ઓક્ટોબર : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ચૂંટણીમાં સેનાનો રાજકીય ઉપયોગ ન થવો જોઈએ. આમ છતાં, મોદી સરકારે સેનાને દેશભરમાં આવા 822 સેલ્ફી પોઈન્ટ સ્થાપિત કરવા કહ્યું છે, જે સરકારી યોજનાઓને પ્રોત્સાહન આપે છે. આવું કરવું યોગ્ય નથી.
ખડગે એ મંગળવારે ટ્વિટર પર લખ્યું કે, સૈનિકોની બહાદુરીની ગાથાને બદલે આ બ્લોક્સ મા વડાપ્રધાન મોદીની તસવીર છે અને તેમની યોજનાઓની પ્રશંસા કરવામાં આવી છે. દેશની રક્ષા કરનારા આપણા ભારતીય સેનાના બહાદુર સૈનિકોની લોકપ્રિયતાનો લાભ ઉઠાવીને મોદી સરકાર પોતાનો પ્રચાર કરી રહી છે.
ખડગે એ કહ્યું કે, ચૂંટણીમાં સેનાનો રાજકીય ઉપયોગ કરીને મોદી સરકારે એવું કામ કર્યું છે, જે 75 વર્ષમાં ક્યારેય થયું નથી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને ભારતીય સેનાની બહાદુરી અને બલિદાન પર અત્યંત ગર્વ છે. રાષ્ટ્રવાદનો પાઠ ભણાવનાર ભાજપે ભારતીય સેનાની ગરિમાને ઠેસ પહોંચાડી છે.
