નવી દિલ્હી, 31 ઓક્ટોબર : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન, અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ત્રીજી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ વખતે ધમકી આપનાર વ્યક્તિએ 400 કરોડ રૂપિયાની માંગણી કરતો ઈમેલ મોકલ્યો છે.
ધમકીઓને જોતા મુંબઈ પોલીસે, દક્ષિણ મુંબઈમાં મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની સુરક્ષા વધારી દીધી છે. ત્રીજા ઈ-મેઈલમાં લખ્યું છે કે, ‘તમારી સુરક્ષા ગમે તેટલી સારી હોય, અમે હજુ પણ તમને મારી શકીએ છીએ.’
પ્રથમ વખત મુકેશ અંબાણી પાસે ઈ-મેલ મોકલીને 20 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને બીજી વખત 200 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.ગત વર્ષે પણ મુકેશ અંબાણી અને તેમના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ સંદર્ભમાં મુંબઈ પોલીસે બિહારના દરભંગામાંથી, એક વ્યક્તિને ધમકીભર્યા કોલ કરવા બદલ ધરપકડ કરી હતી.
