નવી દિલ્હી : નેશનલ કમિશન ફોર વુમન (એનસીડબ્એલ્યુ) એ મુંબઈની એક હોસ્પિટલમાં પાવર ફેલ થવાને કારણે ટોર્ચલાઇટ દ્વારા હાથ ધરવામાં આવેલા કથિત સિઝેરિયન ડિલિવરી અને પ્રક્રિયા દરમિયાન, માતા અને બાળકના મૃત્યુની ગંભીર નોંધ લીધી છે. પંચે, મહારાષ્ટ્ર સરકાર પાસેથી ત્રણ દિવસમાં રિપોર્ટ માંગ્યો છે.
આયોગે સોશિયલ મીડિયા પર પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. આયોગે કહ્યું, એનસીડબલ્યુ આ દુ:ખદ ઘટનાથી આઘાતમાં છે, જ્યાં એક માતા અને બાળકે હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો.
આયોગે વધુમાં જણાવ્યું હતું કે, પાવર કટ અને ત્યારપછી જાનહાનિને કારણે સિઝેરિયન ડિલિવરી માટે સેલ ફોનની ટોર્ચ પર આધાર રાખતી હોસ્પિટલના આક્ષેપો અત્યંત ચિંતાજનક છે. દેશની આર્થિક રાજધાનીમાં બનેલી ઘટના, રાજ્યમાં આરોગ્ય સુવિધાઓમાં ગંભીર ઉણપના મુદ્દાને ઉજાગર કરે છે, જેના પર તાત્કાલિક ધ્યાન આપવાની માંગ કરે છે.
પંચે, મહારાષ્ટ્ર સરકારના અધિક મુખ્ય સચિવને પત્ર લખીને આને ગંભીર મુદ્દો ગણાવ્યો છે. પંચે કહ્યું છે કે, દેશની આર્થિક રાજધાનીમાં આવી ઘટના બનવી એ ચિંતાનો વિષય છે અને તપાસનો વિષય છે. પંચે કહ્યું છે કે, આ મામલે નિર્ણાયક પગલાં લેવા જોઈએ અને આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેની પણ કાળજી લેવી જોઈએ.
