બાંદા, નવી દિલ્હી, 26 માર્ચ ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ માફિયા મુખ્તાર અંસારીની હાલત સોમવારે મોડી રાત્રે, ખરાબ થઈ ગઈ હતી. તેમને રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમને આઈસીયુ માં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
જેલ વિભાગે રાત્રે જ, પોલીસને પત્ર મોકલી મુખ્તારના પરિવારને જાણ કરી હતી. મુખ્તારની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. ડીજી જેલ એસએન સાબતનું કહેવું છે કે, માફિયા મુખ્તાર અંસારીને પેટ અને યુરિનરી ઈન્ફેક્શન છે. ડીજી જેલના જણાવ્યા અનુસાર હાલત ગંભીર નથી.
નોંધનીય છે કે, મુખ્તારે કોર્ટમાં આપેલા લેખિત નિવેદનમાં આરોપ લગાવ્યો હતો કે, તેને સ્લો પોઈઝન આપવામાં આવી રહ્યું છે અને તેની તબિયત દિવસેને દિવસે બગડી રહી છે. જેલ પ્રશાસને આ આરોપને પાયાવિહોણા ગણાવ્યા હતા. અંસારીના વકીલોએ, કંઈક અઘટિત થવાની આશંકા વ્યક્ત કરી છે. હાલ અંસારીની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલના આઈસીયુ વોર્ડની સાથે, પરિસરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
