નવી દિલ્હી,ભારતે 1 એપ્રિલે સીરિયાની રાજધાની, દમાસ્કસમાં ઈરાનના દૂતાવાસ સંકુલ પર ઈઝરાયેલના હુમલા પર ચિંતા વ્યક્ત કરી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે, ગુરુવારે સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, પશ્ચિમ એશિયામાં બગડતી સુરક્ષા સ્થિતિને લઈને ભારત નારાજ છે. તેનાથી વિસ્તારમાં હિંસા અને અસ્થિરતા વધી શકે છે. તમામ સંબંધિત પક્ષોએ આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને નિયમોનું પાલન કરવું જોઈએ.
તાજેતરના હુમલામાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના અનેક કમાન્ડર માર્યા ગયા હતા. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં આ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાના સંબંધમાં અમેરિકી નાણા વિભાગના અધિકારીઓની ભારત મુલાકાત સંબંધિત પ્રશ્ન પર પ્રવક્તાએ કહ્યું કે, ભારત તેની ઉર્જાની જરૂરિયાતના આધારે વ્યાપારી નિર્ણયો લે છે. બજારમાં જ્યાં પણ સસ્તું તેલ મળે છે, ત્યાંથી તેની ખરીદી કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને પશ્ચિમી દેશો ભારત પર રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે. આ સંબંધમાં રશિયા તરફથી ક્રૂડ ઓઈલની કિંમત નીચી રાખવા માટે પ્રતિબંધિત પગલાં લેવામાં આવ્યા છે. આ દેશો હવે આ પ્રાઇસ કેપને વધુ કડક કરવા માંગે છે. રશિયા સાથેના સંબંધો અંગેના સવાલ પર પ્રવક્તાએ કહ્યું કે, ભારતે મોસ્કોમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે. ભારત રશિયા સાથે તેના વ્યૂહાત્મક સંબંધોને ખૂબ મહત્વ આપે છે.
