મુંબઈ, નવી દિલ્હી, 05 મે : ચૂંટણી પંચની વિજિલન્સ ટીમે શનિવારે, મોડી રાત્રે બીડ અને થાણે જિલ્લામાંથી 2.5 કરોડ રૂપિયાની વસૂલાત કરી છે. આ બંને કેસની ચૂંટણી પંચની ટીમ અને સ્થાનિક પોલીસની ટીમ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે.
હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણીનો મહા સંગ્રામ ચાલી રહ્યો છે અને ત્રીજા તબક્કાનું મતદાન 7મી મે એ યોજાશે. આ સમયગાળા દરમિયાન ગેરકાયદેસર નાણાંનો ઉપયોગ રોકવા માટે ચૂંટણી પંચની વિજિલન્સ ટીમે, પોલીસની મદદથી કડક નાકાબંધી શરૂ કરી છે. ચૂંટણી પંચની વિજિલન્સ ટીમ દ્વારા, શનિવારે મોડી રાત્રે બીડ જિલ્લાના ખામગાંવ ચેકપોસ્ટ પર પોલીસની મદદથી આવી જ નાકાબંધી કરવામાં આવી હતી. આ દરમિયાન રાત્રિના સમયે એક કારને રોકીને તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાં, લોખંડની પેટીમાં 1 કરોડ રૂપિયા મળી આવ્યા હતા. આ રકમ લઈ જનાર વ્યક્તિએ જણાવ્યું કે,” આ રકમ દ્વારકાદાસ મંત્રી બેંકની છે, પરંતુ તેની પાસે જરૂરી દસ્તાવેજો નથી.” આથી ચૂંટણી પંચની ટીમ અને પોલીસે, આ જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
એ જ રીતે, શનિવારે રાત્રે, ચૂંટણી પંચ અને પોલીસની ટીમે, થાણે જિલ્લાના ઐરોલી વિસ્તારમાં દૂધના ટેમ્પોમાં લઈ જવામાં આવતા 1.5 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. આ કિસ્સામાં, પૈસા લઈ જનારા બે લોકો, હકીકતની માહિતી આપી શક્યા ન હતા, તેથી પોલીસે બંનેની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા નાણા ચૂંટણીમાં વહેંચવા માટે લાવવામાં આવ્યા હોવાની આશંકા છે.
