બીજાપુર/રાયપુર, નવી દિલ્હી, 17 ઓક્ટોબર : છત્તીસગઢના બીજાપુર જિલ્લાના મદેડ વિસ્તારમાં મંગળવારે સવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક કુખ્યાત નક્સલવાદી માર્યો ગયો. આ અથડામણ, બંદેપારાના જંગલમાં થઇ હતી. ત્રણ-ચાર નક્સલવાદીઓ અને કોબ્રા બટાલિયનના બે જવાનો ઘાયલ થયા હોવાના અહેવાલો પણ છે. બીજાપુરના પોલીસ અધિક્ષક અંજનેય એ અથડામણ ની પુષ્ટિ કરી છે.
પોલીસ અધિક્ષકનું કહેવું છે કે, અથડામણ સ્થળ પરથી એક નક્સલીનો મૃતદેહ મળી આવ્યો છે. સંભવતઃ આ નક્સલવાદી નેતા ડીવાયસીએમ નાગેશની ડેડ બોડી છે. પરંતુ આ વાતની પુષ્ટિ થવાની બાકી છે. અથડામણ સ્થળ પરથી એકે-47 પણ મળી આવી છે. સુરક્ષા દળોને જંગલમાં, એરિયા કમિટીના ઈન્ચાર્જ ડીવાયસીએમ નાગેશ, સેક્રેટરી એસીએમ બુચન્ના, એસીએમ વિશ્વનાથ અને 15-20 સશસ્ત્ર નક્સલીઓની હાજરીની માહિતી મળી હતી.
તેમણે કહ્યું કે, આ પછી બીજાપુરથી ડીઆરજી, બસ્તર ફાઇટર, એસટીએફ અને સીઆરપીએફ 170ની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી ઓપરેશન માટે નીકળી હતી. મંગળવારે સવારે બંદેપારાના જંગલમાં જવાનોને જોઈને નક્સલીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ પછી સૈનિકોએ ચાર્જ સંભાળ્યો. લગભગ એક કલાક સુધી બંને તરફથી ગોળીબાર થયો હતો. આ દરમિયાન એક નક્સલી માર્યો ગયો. આ પછી સર્ચ ઓપરેશન વધુ તેજ કરવામાં આવ્યું હતું.
