પટના, નવી દિલ્હી, 28 જાન્યુઆરી (હિ.સ.) બિહારના મુખ્યમંત્રી અને જનતા દળ (યુ)ના નેતા નીતિશ કુમારે આજે સવારે 11.15 વાગ્યે રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. નીતિશ કુમારે, ભાજપનું સમર્થન પત્ર સુપરત કરીને નવી સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. નવી સરકાર, આજે સાંજે શપથ ગ્રહણ કરે તેવી શક્યતા છે. રાજભવન જતા પહેલા, નીતિશ કુમારે મુખ્યમંત્રી આવાસ પર પાર્ટીના સાંસદો અને ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. નીતીશ કુમારે બેઠકમાં પોતાના નિર્ણયની જાણકારી આપી.
એવા સંકેતો છે કે, જેડીયુ કેમ્પના ત્રણ અને ભાજપના ત્રણ ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ આ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. રાજભવનમાંથી બહાર આવ્યા બાદ નીતિશ કુમારે પત્રકારોને પોતાના નિર્ણયની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, આજે મેં રાજીનામું આપ્યું છે. રાજ્યપાલને વર્તમાન સરકારનું વિસર્જન કરવાનું કહેવામાં આવ્યું છે.
નીતિશ કુમારે કહ્યું છે કે, ચારે બાજુથી અભિપ્રાય આવી રહ્યા હતા. આ મેં સાંભળ્યું છે. હવે નવા ગઠબંધનમાં જોડાશું. આજે અમે જૂના ગઠબંધનથી અલગ થઈ ગયા છીએ. અમે જેટલું કામ કરતા હતા, તેઓ કોઈ જ કામ કરતા ન હતા. લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો, અમે બોલવાનું બંધ કર્યું.
537 દિવસ બાદ, આજે 28 જાન્યુઆરીએ નીતિશ કુમારે ફરી એકવાર રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું. તેમણે છેલ્લે 9 ઓગસ્ટ, 2022ના રોજ રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. આ પછી, આરજેડી-કોંગ્રેસ ગઠબંધન સાથે મહાગઠબંધન સરકાર બનાવવામાં આવી હતી.
