નવી દિલ્હી, 04 નવેમ્બર : મોડી રાત્રે પડોશી દેશ નેપાળમાં ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ અત્યાર સુધી ઓછામાં ઓછા 70 લોકોના મોત થયા છે. મૃત્યુઆંક ઘણો વધારે હોઈ શકે છે. પરોઢ થતાંની સાથે જ રાહત અને બચાવ કામગીરી તેજ કરવામાં આવી હતી.
શુક્રવારે રાત્રે 11.35 કલાકે, દિલ્હી અને એનસીઆર માં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ત્યારબાદ નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરે માહિતી આપી હતી કે, તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.4 માપવામાં આવી હતી અને તેનું કેન્દ્ર નેપાળથી 10 કિલોમીટર નીચે જોવા મળ્યું હતું. ત્યારથી એવી આશંકા હતી કે, આનાથી નેપાળમાં જાનમાલનું મોટું નુકસાન થઈ શકે છે.
સવાર સુધીમાં નેપાળના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગત રાત્રે આવેલા ભૂકંપને કારણે ઓછામાં ઓછા 70 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમાંથી રૂકુમ પશ્ચિમ જિલ્લામાં 36 અને જાજરકોટમાં 34 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે. રુકુમ જિલ્લા મેજિસ્ટ્રેટ હરિ પ્રસાદ પંતે 36 લોકોના મોતની પુષ્ટિ કરી અને કહ્યું કે, આ આંકડો ઘણો વધારે હોઈ શકે છે. હાલમાં માત્ર સુલભ વિસ્તારોમાં જ રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. સવાર પડતાની સાથે જ દુર્ગમ વિસ્તારોમાં પણ રાહત કાર્ય ઝડપી કરવામાં આવી રહ્યું છે. આ પછી જ મૃતકોની સંખ્યા અને નુકસાનનો ચોક્કસ અંદાજ લગાવી શકાશે.
