નવી દિલ્હી, 16 ડિસેમ્બર (હિ.સ.) કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે, કેન્દ્ર સરકાર 2024ની વસ્તી ગણતરી બાદ મહિલા અનામત કાયદાને લાગુ કરવા માટે પગલાં લેશે. સીતારમણ શુક્રવારથી કર્ણાટક અને કેરળના બે દિવસીય પ્રવાસ પર છે.
કેન્દ્રીય નાણામંત્રીએ શુક્રવારે કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં મૂડબિદરી માં એક કાર્યક્રમમાં રાણી અબક્કાના નામની સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી. તેમણે કહ્યું કે, મહિલા આરક્ષણ હવે વાસ્તવિકતા બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓની ભૂમિકામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
16મી સદીની રાણી અબક્કાની હિંમત અને બહાદુરીની પ્રશંસા કરતા નાણામંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે વિદેશી દળો સામે લડનારા અવિસ્મરણીય લડવૈયાઓના યોગદાનને માન્યતા આપવા માટે ઘણા પગલાં લીધા છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, કર્ણાટકના દરિયાકાંઠામાં રાણી અબક્કાના નામે એક સૈનિક સ્કૂલ ખોલવામાં આવશે. સીતારમણ એ, સ્મારક પોસ્ટેજ સ્ટેમ્પ માટે ઉપયોગમાં લેવાતા રાણી અબ્બક્કાના ચિત્ર માટે કલાકાર વાસુદેવ કામતને અભિનંદન આપ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/પવન / ડો. હિતેશ
