લખનૌ, નવી દિલ્હી, 15 નવેમ્બર (હિ.સ.) સહારાના વડા અને દેશના જાણીતા ઉદ્યોગપતિ સુબ્રત રોય નથી રહ્યા. લાંબી માંદગી બાદ મંગળવારે મોડી રાત્રે, મુંબઈમાં તેમનું અવસાન થયું. બુધવારે તેમના પાર્થિવ દેહને લખનૌ લાવવામાં આવશે. જ્યાં તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવામાં આવી શકે છે.
રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે પોતાના સંદેશમાં કહ્યું છે કે, સહારા ગ્રુપના વડા સુબ્રત રોયનું નિધન, અત્યંત દુઃખદ છે. હું ભગવાન શ્રી રામને પ્રાર્થના કરું છું કે, તેઓ દિવંગત આત્માને, તેમના ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે.
નોંધનીય છે કે, સુબ્રત રોયને 12 નવેમ્બરના રોજ, મુંબઈની ખાનગી હોસ્પિટલ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમણે બપોરે 22.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. હૃદય બંધ થવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. તેઓ 75 વર્ષના હતા અને ડાયાબિટીસ અને બીપી સહિત અનેક ગંભીર બીમારીઓથી પીડિત હતા. સુબ્રત રોય, ઉત્તર પ્રદેશના હતા. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે, તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે, સુબ્રત રોયના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, સહારાના વડા સુબ્રત રોયનું નિધન, ઉત્તર પ્રદેશ અને દેશ માટે એક ભાવનાત્મક ખોટ છે, કારણ કે એક ખૂબ જ સફળ બિઝનેસમેન હોવાની સાથે, તેઓ મોટા હૃદયના ખૂબ જ સંવેદનશીલ વ્યક્તિ પણ હતા, જેમણે અસંખ્ય લોકોને મદદ કરી હતી. હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ!
શિવપાલ યાદવે ટ્વીટ કરીને લખ્યું કે, સહારા સુબ્રત રોયના નિધનના દુઃખદ સમાચાર પ્રાપ્ત કર્યા છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને શોકાતુર પરિવારને આ અપાર નુકસાન સહન કરવાની શક્તિ આપે. હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ!
હિન્દુસ્થાન સમાચાર / મોહિત / ડો.હિતેશ / માધવી
