નવી દિલ્હી,16 ઓક્ટોબર (હિ.સ.) કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં શેરે બીબી ખાતે 224 મીટરના દ્વિ-માર્ગીય પુલનું નિર્માણ અંદાજે 12 કરોડ રૂપિયાના ખર્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.
સોમવારે કેન્દ્રીય મંત્રી ગડકરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું કે આ બ્રિજ NH-44 ના રામબનથી બનિહાલ સેક્શન પર સ્થિત છે. તેનાથી મુસાફરીનું અંતર 125 મીટર ઘટશે અને ઢોળાવને ટાળી શકાશે. તેનાથી વાહનોની અવરજવર સરળ બનશે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ પ્રોજેક્ટ ક્ષેત્રના આર્થિક વિકાસમાં ફાળો આપશે અને એકંદર કનેક્ટિવિટી વધારશે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ અમે જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં બહેતર હાઈવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતા પર અડગ છીએ.
હિન્દુસ્થાન સમાચાર/અનુપ/સુનીલ
