ગયા, નવી દિલ્હી,20 ઓક્ટોબર (હિં. સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બિહારની તેમની મુલાકાતના છેલ્લા દિવસે શુક્રવારે ગયામાં, દક્ષિણ બિહાર સેન્ટ્રલ યુનિવર્સિટીના ત્રીજા દીક્ષાંત સમારોહને સંબોધિત કરતા કહ્યું હતું કે,” પ્રાચીન સમયથી બિહાર પ્રતિભાઓને ઉછેરવા માટે જાણીતું છે.” તેમણે કહ્યું કે,” બિહારની ધરતી પર ચાણક્ય અને આર્યભટ્ટ જેવા મહાન વિદ્વાનોએ સામાજિક અને રાજકીય વ્યવસ્થાની સાથે ગણિત અને વિજ્ઞાનના ક્ષેત્રમાં ક્રાંતિકારી યોગદાન આપ્યું છે.” તેમણે કહ્યું કે,” દરેકને એ વાત પર ગર્વ છે કે વિશ્વની પ્રથમ લોકતાંત્રિક વ્યવસ્થાઓ બિહાર (વૈશાલી)ની ધરતી પર ખીલી હતી.”
રાષ્ટ્રપતિએ કહ્યું કે,” આ પવિત્ર ભૂમિ પર ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધે શાંતિ, અહિંસા, કરુણા અને પ્રેમનો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીએ પણ આ ધરતી પર ‘અહિંસા પરમો ધર્મ’ના સંદેશને નવો આયામ આપ્યો હતો.” તેમણે કહ્યું કે,” ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ અને મહાત્મા ગાંધીના ઉપદેશો આજે પણ વધુ પ્રાસંગિક છે અને આપણા દેશની આ સમૃદ્ધ વારસાને આગળ વધારવાથી વિશ્વ કલ્યાણમાં મદદ મળી શકે છે.”
તેમણે કહ્યું કે,” યુવા વિદ્યાર્થીઓ આ સમૃદ્ધ પરંપરાના વાહક છે. તેઓ એક સારા સમાજ, દેશ અને વિશ્વના નિર્માણમાં તેમની ભૂમિકા પસંદ કરી શકે છે અને ભજવી શકે છે. તેમણે વિદ્યાર્થીઓને તેમની વ્યક્તિગત પ્રગતિની સાથે સામાજિક કલ્યાણ અને પરોપકારના મૂલ્યોને તેમના લક્ષ્યોમાં સામેલ કરવા વિનંતી કરી.” તેમણે કહ્યું કે,” આવા સર્વગ્રાહી ધ્યેયો હાંસલ કરવાના પ્રયાસો તેમના શિક્ષણને સાર્થક સાબિત કરશે અને સફળતાના દરવાજા ખોલશે.”
રાષ્ટ્રપતિએ કહ્યું કે,” આજે બિહારના પ્રતિભાશાળી લોકો દેશ અને વિદેશમાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં યોગદાન આપી રહ્યા છે. રાજ્યના સાહસિક લોકોએ વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવી છે.” તેમણે કહ્યું કે,” સ્થાનિક સ્તરે પ્રગતિના આવા વૈશ્વિક માપદંડો સ્થાપિત કરવા એ દરેકનું લક્ષ્ય હોવું જોઈએ. તેમણે દક્ષિણ બિહાર સેન્ટ્રલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આ પરિવર્તનના સમયગાળામાં સક્રિય ભૂમિકા ભજવવા વિનંતી કરી.”
રાષ્ટ્રપતિએ કહ્યું કે,” ઘણા દેશો પ્રતિભાની અછતની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. દેશના પ્રતિભાશાળી અને મહેનતુ યુવાનો વિશ્વની અનેક અર્થવ્યવસ્થાઓમાં અને જ્ઞાન અને વિજ્ઞાનની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે. આજે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા છે. અમારું રાષ્ટ્રીય લક્ષ્ય એ છે કે ભારત ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જાય. આ લક્ષ્યને હાંસલ કરવામાં આપણા યુવાનો મહત્વની ભૂમિકા ભજવશે.” તેમણે કહ્યું કે,” વિદ્યાર્થીઓ તેમની ક્ષમતાનો યોગ્ય ઉપયોગ કરીને દેશના ડેમોગ્રાફિક ડિવિડન્ડનો લાભ મેળવી શકે છે.”
દ્રૌપદી મુર્મુએ ક્લાઈમેટ ચેન્જના મુદ્દા પર બોલતા કહ્યું કે,” વ્યક્તિગત અને સામૂહિક સ્તરે આપણે બધાએ આવી જીવનશૈલી અપનાવવી પડશે અને એવું કાર્ય કરવું પડશે, જેનાથી કુદરતી સંસાધનોનો મહત્તમ ઉપયોગ અને મહત્તમ સંરક્ષણ અને પ્રચાર થઈ શકે.”
હિન્દુસ્થાન સમાચાર / ગોવિંદ / ચંદ્ર પ્રકાશ / ડો હિતેશ / માધવી
