નવી દિલ્હી, 19 ઓગસ્ટ (હિ.સ.) ઈન્ડીયા એલાયન્સે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી
માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડીને, પોતાના ઉમેદવાર
તરીકે નિયુક્ત કર્યા છે. મંગળવારે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના
નિવાસસ્થાને, ઇન્ડિયા એલાયન્સના ઘટક પક્ષોની બેઠક બાદ, આ ઔપચારિક જાહેરાત કરવામાં
આવી હતી.
કોંગ્રેસ પ્રમુખ ખડગેએ આ પ્રસંગે જણાવ્યું હતું કે,” બી.
સુદર્શન રેડ્ડી દેશના સૌથી પ્રતિષ્ઠિત અને પ્રગતિશીલ ન્યાયશાસ્ત્રીઓમાંના એક છે.
તેમણે આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં ન્યાયાધીશ, ગૌહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટના
ન્યાયાધીશ તરીકે લાંબુ અને ઉત્તમ કાર્ય કર્યું છે.”
ખડગેએ કહ્યું કે,” રેડ્ડી હંમેશા સામાજિક, આર્થિક અને
રાજકીય ન્યાયના પક્ષમાં રહ્યા છે. તેઓ એક સરળ પરિવારમાંથી આવે છે અને તેમની ઘણી
ઐતિહાસિક ન્યાયિક ટિપ્પણીઓ ગરીબો અને વંચિતોના પક્ષમાં રહી છે. તેમણે બંધારણ અને
મૂળભૂત અધિકારોના રક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.”
ખડગેએ કહ્યું કે,” ઉપરાષ્ટ્રપતિ પદ માટેની આ લડાઈ એક
વૈચારિક સંઘર્ષ છે અને તેથી જ ઇન્ડિયા ગઠબંધન દ્વારા સર્વાનુમતે રેડ્ડીને પોતાના
ઉમેદવાર તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે. રેડ્ડી 21 ઓગસ્ટે પોતાનું ઉમેદવારીપત્ર ભરશે.”
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ
