ધનુષકોડી (તામિલનાડુ), નવી દિલ્હી, 21 જાન્યુઆરી (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી તામિલનાડુની તેમની બે દિવસીય મુલાકાતના અંતિમ દિવસે આજે (રવિવારે) અહીંના કોદંડા રામાસ્વામી મંદિરની મુલાકાત લેશે. આ મંદિર શ્રી કોદંડા રામાસ્વામીને સમર્પિત છે. કોદંડ રામ નામનો અર્થ ભગવાન રામ, ધનુર્ધારી છે. એવું કહેવાય છે કે, અહીં જ વિભીષણ ભગવાન શ્રી રામને પ્રથમ વખત મળ્યા હતા અને તેમની પાસે શરણાગતિ માંગી હતી.
કેટલીક દંતકથાઓ એવી પણ છે કે, આ તે સ્થાન છે જ્યાં ભગવાન શ્રી રામે, વિભીષણનો રાજ્યાભિષેક કર્યો હતો. વડાપ્રધાન અરિચલ મુનાઈ પણ ધનુષકોડી જશે. અરિચલ મુનાઈ વિશે કહેવાય છે કે, અહીં રામ સેતુનું નિર્માણ થયું હતું. ભાજપે પોતાના એક્સ હેન્ડલ પર વડાપ્રધાન મોદીનો આજનો કાર્યક્રમ શેર કર્યો છે. બીજેપી અનુસાર વડાપ્રધાન મોદી સવારે 9:30 વાગ્યે અરિચલ મુનાઈ જશે. એક કલાક પછી કોદંડા રામાસ્વામી મંદિર પહોંચશે. વડાપ્રધાન મોદીએ ગઈકાલે તેમના એક્સ હેન્ડલ પર તમિલનાડુના મુખ્ય મંદિરોના દર્શન અને પૂજાની તસવીરો શેર કરી હતી.
આ પહેલા ગઈકાલે (20 જાન્યુઆરી) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામેશ્વરમાં ‘અગ્નિ તીર્થ’ના કાંઠે, સ્નાન કર્યા બાદ ભગવાન રામનાથસ્વામી મંદિરમાં પૂજા કરી હતી. આ તમિલનાડુનું એક પ્રાચીન શિવ મંદિર છે. વડાપ્રધાને મંદિર પરિસરમાં આવેલા 22 તીર્થસ્થાનોમાં સ્નાન કર્યું. આ 22 તીર્થસ્થાનો, કુદરતી ઝરણાઓ છે. આમાંના દરેકને તમિલમાં ‘નાઝી કિનારુ’ (કુવા) તરીકે ઓળખવામાં આવે છે.
પૂજારીઓએ અહીં વડાપ્રધાન મોદીનું, પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને મંદિરમાં આયોજિત, ભજન કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. તમિલનાડુના રામનાથપુરમ જિલ્લામાં રામેશ્વરમ ટાપુ પર સ્થિત શિવ મંદિર પણ, રામાયણ સાથે સંબંધિત છે. કહેવાય છે કે, ભગવાન રામે અહીં શિવલિંગની સ્થાપના કરી હતી. ભગવાન રામ અને દેવી સીતાએ અહીં પૂજા કરી હતી. તિરુચિરાપલ્લી જિલ્લાના શ્રી રંગનાથસ્વામી મંદિરમાં પૂજા કર્યા બાદ મોદી, એરફોર્સના હેલિકોપ્ટરમાં અહીં પહોંચ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / માધવી
