નવી દિલ્હી, 22 જાન્યુઆરી (હિ.સ.) હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે (સોમવારે) અયોધ્યાધામ પહોંચવા માટે ગણતરીનો સમય બાકી છે. બપોરે 12 વાગ્યાની આસપાસ, નવનિર્મિત શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ માટે વિશેષ વિધિઓ શરૂ થશે. જેમાં વડાપ્રધાન મોદી ભાગ લેશે. વડાપ્રધાન મોદીને ગયા વર્ષે, ઓક્ટોબરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી આમંત્રણ મળ્યું હતું. વડાપ્રધાન કાર્યાલયે આ જાણકારી આપી.
પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની પૂર્વસંધ્યાએ જારી કરાયેલા એક નિવેદનમાં વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે, ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં દેશના તમામ મુખ્ય આધ્યાત્મિક અને ધાર્મિક સંપ્રદાયોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ આદિવાસી સમુદાયોના પ્રતિનિધિઓ હાજરી આપશે. આ પ્રસંગે વડાપ્રધાન એક ખાસ સભાને પણ સંબોધિત કરશે. તેમની ઓફિસે જણાવ્યું છે કે, વડાપ્રધાન મોદી શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ સાથે જોડાયેલા કામદારો સાથે વાતચીત કરશે. વડાપ્રધાન કુબેર ટીલાની પણ મુલાકાત લેશે. અહીં ભગવાન શિવના પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. તેઓ અહીં પૂજા-અર્ચના કરશે. વડાપ્રધાન મોદી આજે સવારે 10.25 કલાકે અયોધ્યાધામ પહોંચે તેવી શક્યતા છે.
ભારતીય જનતા પાર્ટી (બીજેપી) એ આજે સવારે તેના એક્સ હેન્ડલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અયોધ્યા કાર્યક્રમનું ટૂંકું સચિત્ર વર્ણન શેર કર્યું છે. ભાજપે કહ્યું છે કે, સદીઓનો સંકલ્પ પૂર્ણ થઈ રહ્યો છે. રાહ જોવાના કલાકો વીતી ગયા. અસંખ્ય રામ ભક્તોની તપસ્યા, ત્યાગ અને બલિદાનનું ફળ મળી રહ્યું છે. અયોધ્યાના નવનિર્મિત ભવ્ય, દિવ્ય અને અલૌકિક શ્રી રામ મંદિરમાં રામલલાના અભિષેકનો દિવસ આવી ગયો છે. આવો, આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનીએ.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / માધવી
