નવી દિલ્હી, 22 નવેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે, વિશ્વના નેતાઓને માનવતાની ખાતર આતંકવાદ અને હિંસા સામે, એક થવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે,” કોઈપણ સંઘર્ષમાં નાગરિકોની હત્યા સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. તેમણે જી-20 વર્ચ્યુઅલ સમિટને એ, સુનિશ્ચિત કરવા પણ વિનંતી કરી હતી કે ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ પ્રાદેશિક સંઘર્ષ ન બને.”
જી-20 વર્ચ્યુઅલ સમિટમાં ગ્લોબલ સાઉથની ચિંતાઓને મોખરે રાખીને, વડાપ્રધાન મોદીએ, આ દેશોમાં ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સોશિયલ ઈમ્પેક્ટ ફંડ બનાવવાનો, પ્રસ્તાવ મૂક્યો અને જાહેરાત કરી કે, ભારત તેમાં 2.5 કરોડ ડોલરનુ યોગદાન આપશે. સપ્ટેમ્બરમાં દિલ્હીમાં યોજાયેલી જી-20 સમિટ બાદ ભારતે, તેની અધ્યક્ષતામાં આ સમિટનું આયોજન કર્યું છે.
આ દરમિયાન વડાપ્રધાને, ઈઝરાયેલ-હમાસ સંઘર્ષમાં બંધકોને મુક્ત કરવાના સમાચારને આવકાર્યા હતા અને આશા વ્યક્ત કરી હતી કે, બાકીના બંધકોને પણ મુક્ત કરવામાં આવશે. વડાપ્રધાને સંઘર્ષની વચ્ચે, માનવતાવાદી સહાયની જરૂરિયાત પર ભાર મૂક્યો અને શાંતિ માટે, સાથે મળીને કામ કરવાનું આહ્વાન કરતા તેમણે કહ્યું કે,” આપણે આતંકવાદ અને હિંસા સામે, બુલંદ અવાજ બનવું પડશે. માનવતા અપેક્ષા રાખે છે કે, આપણે આ દિશામાં કદમથી કદમ મિલાવીને આગળ વધીએ.”
વડાપ્રધાને કહ્યું કે,” આપણે ગ્લોબલ સાઉથની ચિંતાઓને પ્રાથમિકતા આપવી પડશે.” તેમણે કહ્યું કે,” તે એવા પડકારોનો સામનો કરી રહ્યો છે, જેના માટે તે પોતે જવાબદાર નથી.” તેમણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, હાંસલ કરવામાં આ દેશોને ટેકો આપવાની વાત કરી અને ઉદાહરણ તરીકે, ભારતમાં અમલમાં મુકાયેલી એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્લાનનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે,” આ યોજનાએ 25 કરોડ લોકોનું જીવન બદલી નાખ્યું છે.”
વડાપ્રધાને ડીપ ફેક એટલે કે, આધુનિક ડિજિટલ ટેક્નોલોજીની મદદથી ભ્રામક ઓડિયો-વિડિયો સામગ્રી બનાવવાની ગંભીરતા પર પ્રકાશ પાડ્યો અને કહ્યું કે,” અમે ઈચ્છીએ છીએ કે, એઆઈ લોકો સુધી પહોંચે અને તે સમાજ માટે સુરક્ષિત રહે.” તેમણે કહ્યું કે,” આવતા મહિને ભારત ‘ગ્લોબલ એઆઈ પાર્ટનરશિપ સમિટ’નું આયોજન કરશે.” તેમને આશા છે કે, આ પહેલને દરેકનો સહયોગ મળશે. આ દરમિયાન ભારત દ્વારા લેવામાં આવેલી, ગ્રીન ક્રેડિટ પહેલનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સાથે તેમણે ભારતમાં, પસાર થયેલા નારી-શક્તિ વંદન કાયદા વિશે માહિતી આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / અનુપ / પવન / માધવી
