
નવી દિલ્હી, 09 જાન્યુઆરી (હિ.સ.) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, એક પ્રખ્યાત હિન્દી અને ભોજપુરી ગીતકાર, કવિ અને જાણીતા સાહિત્યકાર, કાશી નિવાસી પંડિત હરિરામ દ્વિવેદી ‘હરિ ભૈયા’ના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમના અંતિમ સંસ્કાર આજે (મંગળવારે) વારાણસીમાં થશે.
વડાપ્રધાન મોદીએ, આજે સવારે પોતાના એક્સ હેન્ડલ પર શોક સંદેશ જારી કર્યો હતો. તેમણે લખ્યું, હિન્દી સાહિત્યના મહાન સર્જક અને કાશીના રહેવાસી પંડિત હરિરામ દ્વિવેદીજીના નિધનથી હું દુખી છું. અંગનઇયા અને જીવનદાયિની ગંગા જેવા કાવ્યસંગ્રહો અને તેમની વિવિધ રચનાઓ સાથે તેઓ હંમેશા આપણા જીવનમાં હાજર રહેશે. તેમને શ્રી ચરણમાં સ્થાન મળે. આ મારી ભગવાનને પ્રાર્થના છે.
87 વર્ષીય દ્વિવેદી લાંબા સમયથી બીમાર હતા. તેમણે સોમવારે બપોરે 2:15 કલાકે, વારાણસીના મહમૂર ગંજ સ્થિત મોતી ઝિલ ખાતેના તેમના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. પંડિત હરિરામ દ્વિવેદીનો જન્મ 12 માર્ચ, 1936ના રોજ મિર્ઝાપુરના શેરવા ગામમાં થયો હતો. તેમને સાહિત્ય અકાદમી ભાષા પુરસ્કાર, રાહુલ સાંકૃત્યયન પુરસ્કાર, સાહિત્ય ભૂષણ, સાહિત્ય સારસ્વત પુરસ્કાર સહિત અન્ય ઘણા પુરસ્કારો પ્રાપ્ત થયા. તેમના મુખ્ય કાવ્યસંગ્રહો છે – અંગનઇયા, પાતરી પીર, જીવનદાયિની ગંગા, સાંઈ ભજનાવલી, પાની કહે કહાની, પહેચાન, નારી, રમતા જોગી, બૈન ફકીર, હાશીયે કા દર્દ, નદીયો ગઇલ દુબરાય વગેરે.
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ / ડો. હિતેશ
