નવી દિલ્હી, 15 ડિસેમ્બર (હિં.સ.) સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે, ઉત્તર પ્રદેશની એક મહિલા ન્યાયાધીશના વાયરલ પત્રના મુદ્દે અલ્હાબાદ હાઈકોર્ટમાંથી રિપોર્ટ મંગાવ્યો છે. સીજેઆઈએ, સુપ્રીમ કોર્ટના મહાસચિવને અલ્હાબાદ હાઈકોર્ટ પ્રશાસન પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગવા કહ્યું છે.
સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને, પત્ર લખીને મહિલા જજ દ્વારા આપવામાં આવેલી તમામ ફરિયાદોની માહિતી માંગી છે. સુપ્રીમ કોર્ટે ફરિયાદ સાથે કામ કરતી આંતરિક ફરિયાદ સમિતિ સમક્ષ કાર્યવાહીની સ્થિતિ વિશે પૂછ્યું છે. આ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સુપ્રીમ કોર્ટે આ પગલું ભર્યું છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે કે,’ ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં પોસ્ટ કરાયેલી એક મહિલા સિવિલ જજે આરોપ લગાવ્યો છે કે, જિલ્લા ન્યાયાધીશ દ્વારા તેણીને શારીરિક અને માનસિક રીતે હેરાન કરવામાં આવી હતી. ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા રાત્રે મળવા માટે દબાણ સર્જાયું હતું.’ આ ઘટના અંગે ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
હિન્દુસ્થાન સમાચાર / સંજય / મુકુંદ / માધવી
