કાઠમંડુ/અયોધ્યા, નવી દિલ્હી, 24 ડિસેમ્બર (હિ.સ.) અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના, પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે માતા સીતાના માતૃગૃહ જનકપુરધામથી ‘ભાર’ મોકલવામાં આવશે. મિથિલા પરંપરા અનુસાર આ ‘ભાર’, જનકપુરધામ સ્થિત જાનકી મંદિરના નેતૃત્વમાં સમર્પિત કરવામાં આવશે. આ માહિતી જાનકી મંદિરના ઉત્તરાધિકારી મહંત રામ રોશન દાસે આપી હતી.
તેમણે જનકપુરધામના લોકોને ‘ભાર’ નો ભાગ, બનવા આહ્વાન કર્યું છે. રસ ધરાવતા લોકો 3 જાન્યુઆરી સુધી જાનકી મંદિરમાં પોતાનો ‘ભાર’ જમા કરાવી શકે છે. ‘ભાર’ તરીકે, 51 પ્રકારની મીઠાઈઓ, દહીં, મખાના, કપડાં, ઘરેણાં, ચાંદીના વાસણો વગેરે અયોધ્યા મોકલવામાં આવશે.
મહંત રામ રોશન દાસે જણાવ્યું કે, ‘ભાર’ પદયાત્રા માટે 1100 લોકોની કમિટી બનાવવામાં આવી છે. જાનકી મંદિરના પ્રમુખ મહંત રામ તપેશ્વર દાસના નેતૃત્વમાં આ યાત્રા 4 જાન્યુઆરીએ જનકપુરધામથી પ્રસ્થાન થશે. બીરગંજમાં રાત્રિ આરામ કર્યા બાદ તે 5 જાન્યુઆરીએ અયોધ્યા માટે રવાના થશે. આ ‘ભાર’ 6 જાન્યુઆરીએ શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના નેજા હેઠળ આયોજિત ભવ્ય કાર્યક્રમમાં સમર્પિત કરવામાં આવશે. જાનકી મંદિરના મહંતને 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવાનું આમંત્રણ મળ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / મુકુંદ / માધવી
