નવી દિલ્હી, 18 નવેમ્બર (હિ.સ.) દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા (ઇઑડબલ્યુ) એ ભારત-પે ના સહ-સ્થાપક અશનીર ગ્રોવર અને તેની પત્ની માધુરી જૈનને, ફિનટેક યુનિકોર્નમાં રૂ. 81 કરોડની કથિત છેતરપિંડીના સંદર્ભમાં પૂછપરછ માટે સમન્સ મોકલ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારત-પે ની ફરિયાદ પર હાથ ધરવામાં આવી રહેલી તપાસમાં જોડાવા માટે દંપતીને 21 નવેમ્બરના રોજ ઇઑડબલ્યુ ની મંદિર માર્ગ ઓફિસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, અશનીર ગ્રોવર અને તેની પત્ની સિવાય તેના પરિવારના અન્ય ત્રણ સભ્યો દીપક ગુપ્તા, સુરેશ જૈન અને શ્વેતાંક જૈન વિરુદ્ધ મે મહિનામાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. અશનીર ગ્રોવર, ભારત પે ના સહ-સ્થાપક છે. એલઓસી જારી થવાને કારણે, તેમના દેશ છોડવા પર પ્રતિબંધ હતો પરંતુ અશનીર ગ્રોવર વતી એવું કહેવામાં આવ્યું હતું કે, ઇઑડબલ્યુ દ્વારા તેમને લુક આઉટ નોટિસ સંબંધિત કોઈ માહિતી આપવામાં આવી નથી. તાજેતરમાં તેઑ ઘણી વખત વિદેશ પ્રવાસ કરી ચૂક્યા છે.
મળતી માહિતી મુજબ, ગ્રોવર દંપતી ન્યુયોર્કની ફ્લાઈટ પકડવા માટે ગુરુવારે રાત્રે આઈજીઆઈ એરપોર્ટ પર પહોંચ્યા હતા, પરંતુ સુરક્ષા તપાસ દરમિયાન તેમને એરપોર્ટ પર રોકી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને ત્યાંથી ઘરે પરત મોકલી દેવામાં આવ્યા હતા. તેઓને મંદિર માર્ગ ખાતેની ઇઑડબલ્યુ ઑફિસે પહોંચવા અને પોલીસ તપાસમાં સહકાર આપવાનું કહેવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર/અશ્વની/દધીબલ / ડો. હિતેશ
