નવી દિલ્હી, 30 ડિસેમ્બર (હિ. સ.) રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી અયોધ્યા ધામની પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટ, આજે મહર્ષિ વાલ્મીકિ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરશે. પાયલોટ ઇન કમાન્ડ કેપ્ટન આશુતોષ શેખર, આ વિમાન સાથે પહોંચશે. આશુતોષ શેખરનો પરિવાર, ઘણી પેઢીઓથી અયોધ્યાધામના શ્રી રામવલ્લભકુંજ જાનકી સ્થાનનો અનુયાયી છે.
ઈન્ડિગોની આ ફ્લાઈટ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટથી બપોરે 2:40 વાગ્યે ઉપડશે અને સાંજે 4:00 વાગ્યે અયોધ્યા પહોંચશે. અગાઉ, પરીક્ષણ તરીકે અયોધ્યા એરપોર્ટ પર વિમાનો ઉતર્યા છે, પરંતુ મુસાફરોને લઈને અયોધ્યાની આ પ્રથમ ફ્લાઇટ હશે. આશુતોષ શેખર, કો-પાઈલટ તરીકે નિખિલ બક્ષીને રાખશે. આ ફ્લાઈટ કેટલી સીટ ની હશે તે હજુ સ્પષ્ટ નથી.
ધાર્મિક ગ્રંથોમાં એવું વર્ણન કરવામાં આવ્યું છે કે, લંકા પર વિજય મેળવ્યા પછી, ભગવાન રામચંદ્રજીને લઈને પ્રથમ ‘પુષ્પક’ વિમાન અયોધ્યાની ભૂમિ પર ઉતર્યું હતું. હવે તેમના ભક્તોને લઈને પ્રથમ વિમાન શનિવારે ઉતરશે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / માધવી
