ચંદીગઢ, નવી દિલ્હી, 28 ઓક્ટોબર (હિ.સ.). પંજાબ પોલીસે આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના ચાર આતંકવાદીઓની ધરપકડ કરી છે અને મોટી માત્રામાં હથિયારો જપ્ત કર્યા છે. શનિવારે આ અંગે માહિતી આપતા પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે જણાવ્યું હતું કે, મોહાલી જિલ્લા પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આતંકવાદીઓ આગામી તહેવારોના દિવસોમાં, ટાર્ગેટ કિલિંગ કરીને પંજાબનું વાતાવરણ બગાડવાની યોજના બનાવી રહ્યા હતા.
ડીજીપી ના જણાવ્યા અનુસાર, એસએએસ નગર (મોહાલી) પોલીસની સીઆઈએ વિંગે આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. સંગઠનના સભ્યોના સંબંધો પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી હરવિંદર સિંહ રિંદા સાથે છે. રિંદા ના આતંકી સંગઠન બીકેઆઈ સાથે મળીને તેઓ પાકિસ્તાનથી હથિયારોની દાણચોરી કરતા હતા. પકડાયેલા આરોપીઓ પાકિસ્તાનથી હથિયારો મંગાવીને ડ્રોનની મદદથી પંજાબમાં સપ્લાય કરતા હતા.
તેમણે કહ્યું કે, તેમના કબજામાંથી છ વિદેશી પિસ્તોલ અને 275 જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે. આ હથિયારો ક્યાં વાપરવાના હતા અને કોને પહોંચાડવાના હતા તેની માહિતી મેળવવા પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર/સંજીવ/દધીબલ / ડો. હિતેશ
