
નવી દિલ્હી, 08 નવેમ્બર (હિ.સ.) રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના મહાનગરોના લોકોના શ્વાસમાં ઝેરી હવાનું સંકટ હજી ઘેરાયેલું છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે (બુધવાર) સવારે હવા ગુણવત્તા સૂચકાંક (એકયુઆઈ) સ્તર 460 હતું. સવારે પંજાબી બાગનો એકયુઆઈ 460, આનંદ વિહાર 452 અને આર કે પૂરમ માં 433 નોંધાયો હતો. આ સમયે સોમવારે સવારે દિલ્હીમાં સરેરાશ સ્તર 453 હતું.
બોર્ડના અધિકારીઓનું કહેવું છે કે, મંગળવારે પ્રદૂષણમાં નજીવો સુધારો આવ્યા બાદ પણ પરિસ્થિતિમાં બહુ ફેરફાર થયો નથી. વાયુ પ્રદૂષણની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ગૌતમ બુદ્ધ નગરમાં ધોરણ 9 સુધીની શાળાઓને 10 નવેમ્બર સુધી અને ગાઝિયાબાદમાં આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવી છે. અનુમાન છે કે, આગામી છ દિવસમાં દિલ્હીનું વાતાવરણ અત્યંત ખરાબથી ગંભીર શ્રેણીમાં પહોંચી શકે છે.
ગઈકાલે (મંગળવારે) દિલ્હી-એનસીઆરમાં ગ્રેટર નોઈડા સૌથી વધુ પ્રદૂષિત હતું. અહીં એકયુઆઈ 457 નોંધાયો હતો. દિલ્હી બીજા સ્થાને હતું. અહીં એકયુઆઈ 395 હતો. દરમિયાન, ભારતીય હવામાન વિભાગે આગામી દિવસોમાં દિલ્હી-એનસીઆર માં વરસાદની આગાહી કરી છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું કહેવું છે કે, જો વરસાદ પડે તો વાયુ પ્રદૂષણની સ્થિતિમાં સુધારો થઈ શકે છે.
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ / ડો. હિતેશ
