ચેન્નાઈ, નવી દિલ્હી, 30 ડિસેમ્બર (હિ.સ.). તામિલનાડુમાં મધ્યરાત્રિ પછી એક માર્ગ અકસ્માતમાં પાંચ શ્રદ્ધાળુઓના મોત થયા છે અને 19 ઘાયલ થયા છે. આ અકસ્માત તિરુચી-રામેશ્વરમ નેશનલ હાઈવે પર સવારે 12:20 વાગ્યે થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ હાઈવે પર પુડુકોટ્ટઈ જિલ્લાના નમનસમુથીરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચા ની દુકાન પાસે ત્રણ વાહનો રસ્તાના કિનારે પાર્ક કરવામાં આવ્યા હતા. ત્રણેયમાં યાત્રાળુઓ બેઠા હતા. ત્યારે એકાએક પુરપાટ ઝડપે આવતી ટ્રકે ત્રણેય વાહનોને ટક્કર મારી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત સેબસ્ટીયાપુરમ પાસે થયો હતો. સિમેન્ટ ભરેલી આ ટ્રક અરિયાલુર જિલ્લાથી શિવગંગા જિલ્લા તરફ જઈ રહી હતી. અચાનક ટ્રક ચાલકે કાબૂ ગુમાવ્યો અને બે વાન અને એક કારને ટક્કર મારી અને પછી ચાના સ્ટોલ પર ઘુસી ગઈ. મૃતકોમાં એક મહિલા યાત્રાળુનો પણ સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોને પુડુકોટ્ટઈ સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ / માધવી
