નવી દિલ્હી, 5 ડિસેમ્બર (હિ. સ.) નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ મંગળવારે આતંકવાદી ફંડિંગ કેસમાં જમ્મુ-કાશ્મીરમાં આઠ સ્થળો પર દરોડા પાડ્યા હતા.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, એનઆઈએ જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (સીએપીએફ) સાથે, આજે કાશ્મીરમાં સાત સ્થળો અને જમ્મુમાં એક જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ દરોડો આતંકવાદીઓને નાણાં પૂરા પાડવા (ટેરર ફંડિંગ)ના મામલાને લગતો છે. એનઆઈએ ની ટીમ શોપિયાં અને બારામુલા અને અન્ય વિસ્તારોમાં દરોડા પાડી રહી છે. કેસ સાથે જોડાયેલા શકમંદોના રહેઠાણ અને અન્ય સ્થળોની તપાસ કરવામાં આવી રહી છે.
કાશ્મીરમાં કાર્યરત આતંકવાદીઓને ડ્રોન દ્વારા હથિયારોની ડિલિવરી સંબંધિત પાકિસ્તાન સમર્થિત આતંકવાદના કેસમાં કેન્દ્રીય એજન્સી દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના 22 વર્ષીય ઝાકિર હુસૈનની એનઆઈએ જમ્મુ શાખાની ટીમે 27 નવેમ્બરે ધરપકડ કરી હતી. આ પછી એજન્સીએ 29 નવેમ્બરે ઇનપુટ શેર કર્યું. ગયા વર્ષે 30 જુલાઈના રોજ એનઆઈએ દ્વારા નોંધાયેલા કેસમાં ધરપકડ કરાયેલા આઠ આરોપીઓમાં ઝાકિર આઠમો આરોપી હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ ધરપકડ કરાયેલા સાત આરોપીઓમાંથી એકનું ન્યાયિક કસ્ટડીમાં હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું.
એનઆઈએ કાશ્મીર ખીણમાં અને સમગ્ર ભારતમાં આતંક અને હિંસાની ઘટનાઓને અંજામ આપવા માટે પાકિસ્તાન સમર્થિત આતંકવાદી જૂથોના મોટા કાવતરાનો પર્દાફાશ કરવા માટે આ કેસમાં તેની તપાસ ચાલુ રાખી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / બિરંચિ સિંહ / દધીબલ / ડો. હિતેશ/માધવી
